Navsari News Today Live (5 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
બીલીમોરામાં બિસ્માર રસ્તાના કારણે ટ્રકનું ટાયર ફાટ્યું; તંત્ર સામે સ્થાનિકોમાં રોષ
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ખરાબ રસ્તા અને કપચીના કારણે એક માલવાહક ટ્રકનું ટાયર પ્રચંડ ધડાકા સાથે ફાટવાની ઘટના બની છે. આ અકસ્માત નજીકના CCTV કેમેરામાં કેદ થયો છે, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ બનાવને પગલે સ્થાનિક રહીશોએ નગરપાલિકા તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કરતા વહેલી તકે મુખ્ય માર્ગોના સમારકામની માંગ કરી છે.
નવસારીમાં ઉદ્યોગપતિ દ્વારા અર્પણ કરાયેલી 2.5 વીઘા જમીન પર ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’નું નિર્માણ
નવસારીના ઉદ્યોગપતિ હાર્દિકભાઈ નાયકે બંદર રોડ પર સ્થિત પોતાની 2.5 વીઘા કિંમતી જમીન ‘શ્રી રામ સ્મૃતિ ઉપવન’ નામના મિયાવાકી જંગલના નિર્માણ માટે અર્પણ કરીને પર્યાવરણીય સંરક્ષણનું અનન્ય ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીલીમોરાના હરિયાળી ગ્રુપના ટેકનિકલ સહયોગથી વિકસાવવામાં આવેલું આ ઘનઘોર વન ક્ષેત્ર વધતા તાપમાન સામે લડવા અને શહેરી પર્યાવરણને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે સાકાર કરવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ ગણાતો આ પ્રકલ્પ ભારતીય શાસ્ત્રોના મૂલ્યોને વરેલો છે, જે અંદાજે 6,80,00,000 કુવા જેટલું પર્યાવરણીય પુણ્ય અને મૂલ્ય ધરાવે છે.
નવસારી મેયર દ્વારા નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવાયું
નવસારીના મેયર અશોક ધોરાજીયાએ રાજ્ય સરકારની RDSS યોજના અંતર્ગત પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર લગાવીને નવી ટેકનોલોજી અંગેની લોક ગેરસમજો દૂર કરવા માટે એક આદર્શ પહેલ કરી છે. મેયરે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ અદ્યતન સિસ્ટમ ઓનલાઇન મોનિટરિંગ દ્વારા વીજ વપરાશમાં પારદર્શિતા લાવશે અને સ્માર્ટ મીટર અપનાવનાર ગ્રાહકોને પ્રોત્સાહન રૂપે પ્રતિ યુનિટ 60 પૈસાની રાહત આપવામાં આવશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) ના આંકડા મુજબ, નવસારી શહેરમાં અત્યાર સુધીમાં 18,000 થી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે અને તકનીકી ટીમો મીટરની ગતિ અંગેની અફવાઓનું સત્તાવાર રીતે નિવારણ લાવી રહી છે.
નવસારીમાં ગૌમાતાની વિધિવિધાન સાથે અંતિમવિધિની નવી પહેલ
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં મૃત્યુ પામતા ગૌવંશના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવાની એક નવીન અને ગૌરવપૂર્ણ પહેલની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયની જાહેરાત મેયર અશોકભાઈ ધોરાજીયાએ શાંતાદેવી રોડ પર સ્થિત ભગવાન મહાવીર કરુણા મંડળ ટ્રસ્ટ સંચાલિત પાંજરાપોળની મુલાકાત દરમિયાન કરી હતી, જ્યાં બીમારી અથવા અકસ્માતના કારણે નિધન પામેલી 2 ગૌમાતાઓના તેમણે સનાતન પરંપરા મુજબ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે અંતિમ સંસ્કાર કરાવ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
આ પ્રસંગે મેયરે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે, હવેથી નવસારી મહાનગરપાલિકાના સમગ્ર કાર્યક્ષેત્રમાં જ્યારે પણ કોઈ ગૌમાતાનું મૃત્યુ થશે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા સંપૂર્ણ ધાર્મિક વિધિ અને સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવશે. ગૌસેવા અને સંરક્ષણને સાંસ્કૃતિક સંસ્કારોનો એક ભાગ ગણાવતા મેયરના આ નિર્ણયને નવસારીના નાગરિકો અને ગૌભક્તો દ્વારા વ્યાપક સમર્થન અને સરાહના પ્રાપ્ત થઈ રહી છે.
