Navsari News Today Live (4 June 2026): નવસારી શહેર અને જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
નવસારી: શરબતિયા તળાવના બાંધકામ સામે યથાસ્થિતિ જાળવવા કોર્ટનો આદેશ
નવસારી સિવિલ કોર્ટે ઐતિહાસિક શરબતિયા તળાવ ખાતે નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી વિવાદાસ્પદ નિર્માણ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક અસરથી યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો છે. એડિશનલ સીનિયર સિવિલ જજ ભાવેશ કૌશિકકુમાર શાહે 17,021 ચોરસ મીટરના આ વિસ્તારમાં અને તેના 30 મીટરના પરિઘમાં માટી પુરાણ, ખોદકામ અને આર.સી.સી. બાંધકામ સહિતની તમામ કામગીરી અટકાવવા મનાઈ હુકમ ફરમાવ્યો છે. એડવોકેટ કેરસી કે. દેબુ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે પાલિકાની આ ગેરકાયદે પ્રવૃત્તિઓ જળસ્ત્રોતના અસ્તિત્વ માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. પાલિકા દ્વારા અગાઉની નોટિસનો કોઈ પ્રતિસાદ ન અપાતા કોર્ટે આ એકપક્ષીય આદેશ જાહેર કર્યો છે, જેની આગામી સુનાવણી 19 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
નવસારી જિલ્લા કલેક્ટરે જોગવાડ ગામની મુલાકાત લઈ સેવાઓની સમીક્ષા કરી
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ આજે ચીખલી તાલુકાના જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થળ તપાસ કરી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગ્રામ પંચાયત કચેરી તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓ, જનકલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ અને નાગરિકોને પ્રદાન કરવામાં આવતી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ, સેવાઓની ગુણવત્તા અને લાભાર્થીઓ સુધી યોજનાઓનો સમયસર લાભ પહોંચે તે અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન ઈન્ચાર્જ ચીખલી પ્રાંત અધિકારી રોશની પટેલ, ચીખલી મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી: જર્જરિત મકાનનો સ્લેબ તૂટતા નિદ્રાધીન આધેડનું કાટમાળમાં દબાઈ જવાથી મોત
નવસારીના શાંતિદેવી રોડ પાસે આવેલા સરસ્વતી એપાર્ટમેન્ટની બાજુમાં, ગોકુલ નિવાસ બ્લોકમાં એક જર્જરિત મકાનનો સ્લેબ અચાનક ધસી પડતા ઘરમાં સૂતેલા ધર્મેશભાઈ નામના આધેડનું કાટમાળ નીચે દબાઈ જવાથી મોત નીપજ્યું છે. ગઈકાલે બપોરે જ્યારે ધર્મેશભાઈ પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે સ્લેબ તૂટી પડ્યો હતો અને કલાકો બાદ આજે સવારે 10 વાગ્યાની આસપાસ તપાસ કરવામાં આવતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિક તંત્રને જાણ કરાતા કાટમાળ ખસેડી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે. આ આકસ્મિક દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
