Loading...

Navsari: નવસારી NH48 પર ગમખ્વાર અકસ્માત, મુંબઈથી અમદાવાદ જતી લક્ઝરી બસ પલટી; 5 મુસાફરો ઈજાગ્રસ્ત

તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 24 Mar 2026 01:08 PM (IST)Updated: Tue 24 Mar 2026 01:08 PM (IST)
mumbai-to-ahmedabad-luxury-bus-overturns-on-navsari-nh48-five-injured-714373
HIGHLIGHTS
  • નવસારી નેશનલ હાઈવે 48 પર અકસ્માત
  • એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ
  • 5 મુસાફરો ઈજાગ્રસ્ત, તમામ સારવાર હેઠળ

Navsari private bus accident: મુંબઈથી અમદાવાદ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને આજે વહેલી સવારે નવસારી નજીક ગંભીર અકસ્માત નડ્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયેલી આ દુર્ઘટનામાં બસ ડિવાઈડર કૂદીને પલટી ખાઈ ગઈ હતી, જેમાં 5 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી છે.

અજાણ્યા વાહનને બચાવવા જતા પલટી ગઈ

પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની આ લક્ઝરી બસ મુંબઈથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ રવાના થઈ હતી. વહેલી સવારે જ્યારે આ બસ નવસારીના આરક સિસોદ્રા ગામના કટ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક અજાણ્યું વાહન બસની સામે આવી ગયું હતું. આ વાહન સાથેની ટક્કર ટાળવા માટે બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.

મુસાફરોની ચીસાચીસ, સ્થાનિકો મદદે દોડ્યા

પરિણામે, બસ સીધી હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ અને બાજુમાં પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાતાની સાથે જ અંદર ફસાયેલા મુસાફરોમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોઈને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને આસપાસના ગ્રામજનો તાત્કાલિક મુસાફરોની મદદ માટે દોડી આવ્યા હતા.

બચાવ કામગીરી અને વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

ઘટનાની જાણ થતાં જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દુર્ઘટનામાં 5 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

રાહતની વાત એ છે કે બસમાં સવાર અન્ય તમામ મુસાફરો સુરક્ષિત છે. અકસ્માત બાદ હાઈવે પર અટવાઈ પડેલા સુરક્ષિત મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન (અમદાવાદ) પહોંચાડવા માટે પોલીસ અને સંબંધિત ટ્રાવેલ્સ એજન્સી દ્વારા વૈકલ્પિક બસની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેમને રવાના કરવામાં આવ્યા હતા.