Navsari News: નવસારીના ચીખલી તાલુકાના એક ગામમાં રહેતા શ્રમિક પરિવારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને હચમચાવી દીધું છે. એક નરાધમ પિતાએ પોતાની જ બે સગીર પુત્રીઓ સાથે અનેકવાર બળજબરી કરી તેમને નરક જેવી યાતના આપી હતી. આ પાપનો ઘડો ત્યારે ફૂટ્યો જ્યારે નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.
તબીબી તપાસમાં ચોંકાવનારો ખુલાસો
શ્રમિક પરિવારની નાની દીકરીને પેટમાં દુખાવો થતા માતા-પિતા તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. (PHC) ખાતે લઈ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબને શંકા જતા તેમણે વધુ તપાસ માટે સૂચવ્યું હતું. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા જાણવા મળ્યું કે સગીરા 5 માસની ગર્ભવતી છે. આ સાંભળીને માતાના હોશ ઊડી ગયા હતા. જ્યારે માતાએ નાની દીકરીની આકરી પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા પોતાની આપવીતી જણાવી અને સાવકા પિતા અનિલ અમૃતભાઈ રાઠોડના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો.
આ પણ વાંચો
મોટી દીકરી પણ નીકળી ગર્ભવતી
આઘાતમાં સરેલી માતાએ તુરંત પોતાની બહેનને ફોન કર્યો, ત્યારે ખબર પડી કે મોટી દીકરી પણ સતત રડી રહી છે. શંકાના આધારે મોટી દીકરીની પણ તપાસ કરાવવામાં આવી, જેમાં તે પણ 2 માસની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. આરોપી પિતા બંને દીકરીઓને ક્યારેક જંગલમાં લાકડા લેવા જવાના બહાને તો ક્યારેક રાત્રે ઘરમાં સૌ સૂઈ જાય ત્યારે ડરાવી-ધમકાવીને હવસનો શિકાર બનાવતો હતો.
ભૂખ્યા રાખવાની ધમકી આપી મોં બંધ રાખતો
સગીરાઓએ પોલીસને જણાવ્યું કે, પિતા તેમને વારંવાર ધમકાવતો હતો કે, "જો તમે આ વાત કોઈને કહેશો, તો હું તમને અને તમારી મમ્મીને જમવાનું આપીશ નહીં અને ભૂખ્યા રાખીશ." પિતાના આ ડર અને લોકલાજને કારણે માસૂમ દીકરીઓ લાંબા સમય સુધી આ અત્યાચાર સહન કરતી રહી.
પોલીસે નરાધમ પિતાની કરી ધરપકડ
માતાની ફરિયાદના આધારે ચીખલી પોલીસે આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ વિરુદ્ધ POCSO એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડાએ આ કેસની ગંભીરતા જોઈને ઝડપી તપાસના આદેશ આપ્યા છે.
મહિલાને તેના આગલા પતિથી ચાર સંતાનો છે
આ બાબતે ચીખલી DySP ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, ચીખલી પોલિસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આરોપી કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા છ વર્ષથી 'લિવ ઇન' રિલેશનમાં રહેતા હતાં. આ મહિલાને તેના આગલા પતિથી ચાર સંતાનો હતા જેમાંની બે સગીર વયની બાળાઓ હતી. આ બાળાઓ સાથે આરોપી જે આ મહિલા સાથે રિલેશનમાં હતા તેની બંને સગીર વયની બાળાઓ સાથે તેણે દુષ્કર્મ કરેલો અને ઘણા સમયથી દુષ્કર્મ કરતો આવતો હતો. જ્યારે એક બાળાને પેટમાં દુ:ખાવો થતા હોસ્પીટ્લાઈઝ કરવામાં આવી અને ત્યાં આ વાતનો ખુલાસો થયો. અને હાલ આ ગુનાની તપાસ પોલિસ કરી રહી છે, આ ઉપરાંત આરોપીની ધરપકડ કરી પોલિસે આગળ કાર્યવાહી હાથ ધરી છે.
