Navsari Crime News: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રાત્રિના સમયે શૌચક્રિયા માટે ઘરેથી બહાર નીકળેલી 14 વર્ષીય નિર્દોષ સગીરા પર આઠ જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચરી સમગ્ર પંથકને ધ્રુજાવી દીધો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી એક સગીર સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ઘટનાની વિગતો
ગત રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે સગીરા જ્યારે ઘરની બહાર નીકળી હતી, ત્યારે ત્રણ યુવાનોએ તેનું મોઢું દબાવી બળજબરીથી બાઇક પર બેસાડી ચેકડેમ પાસે લઈ ગયા હતા. ત્યાં અન્ય પાંચ શખ્સોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આ આઠેય હેવાનો સગીરાને પીપલખેડ ગામે એક પાણીની ટાંકી પાસે આવેલા રૂમમાં લઈ ગયા હતા. ત્યાં સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી, આઠેય નરાધમોએ તેની પર વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ
ભોગ બનનાર સગીરાની માતાએ હિંમત દાખવી વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી હતી. ડીવાયએસપી ભગીરથ સિંહ ગોહિલના જણાવ્યા અનુસાર, પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં નિખિલ, પિયુષ, ઉદય, સાહિલ, રવિન્દ્ર, આકાશ, રાહુલ અને એક સગીર વયના યુવાનનો સમાવેશ થાય છે. પોલીસે આ મામલે પોક્સો (POCSO) અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
લોકોમાં ભારે રોષ
આ નરપિશાચો સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જાગૃત નાગરિકો અને ગ્રામજનોની એક જ માંગ છે કે આવા નરાધમોને કડકમાં કડક સજા (ફાંસી) થવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે. હાલમાં પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી કાયદેસરની તપાસ ચલાવી રહી છે.
