Narmada Parikrama accident: નર્મદા જિલ્લામાં ચાલી રહેલી પવિત્ર ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા દરમિયાન તિલકવાડા નજીક બે અલગ-અલગ દુર્ઘટના સામે આવી છે. એક તરફ પરિક્રમા કરી રહેલા સુરતના એક વૃદ્ધ મહિલાનું નિધન થયું છે. જ્યારે બીજી તરફ રસ્તામાં શ્વાનોએ કેટલાક શ્રદ્ધાળુઓને બચકા ભર્યા હતા.
સુરતના 65 વર્ષીય મહિલાનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતથી 65 વર્ષીય સુમનબેન અર્જુનભાઈ પટેલ અન્ય કેટલાક લોકો સાથે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવા માટે આવ્યા હતા. તેમણે શનિવારે રાત્રિ દરમિયાન પરિક્રમા શરૂ કરી હતી. રવિવારે વહેલી સવારે 6 થી 6:30 વાગ્યાના અરસામાં, જ્યારે તેઓ તિલકવાડા નદી ભાઠાથી ઉપર તરફ આવી રહ્યા હતા, ત્યારે તેઓ અચાનક બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાને બોલાવવામાં આવી, અને વૃદ્ધાને તિલકવાડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબોએ તપાસ બાદ સુમનબેનને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી સાથે આવેલા શ્રદ્ધાળુઓ અને પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પરિક્રમાર્થીઓને શ્વાનોએ ભર્યા બચકા
તિલકવાડા નજીક ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અન્ય એક ઘટનામાં રખડતા શ્વાનોએ ભારે આતંક મચાવ્યો હતો. તિલકવાડા નદી ભાઠાથી ઉપર તરફ આવતા બ્રિજ પાસે શ્વાનોએ અચાનક પરિક્રમાર્થીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં 8 થી 10 જેટલા પરિક્રમાર્થીઓને શ્વાનોએ બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલુ
શ્વાનોના કરડવાથી લોહીલુહાણ થયેલા તમામ શ્રદ્ધાળુઓને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં આ તમામ ઈજાગ્રસ્ત શ્રદ્ધાળુઓની હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે.
એક તરફ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા માટે ઓનલાઈન નોંધણીના કારણે પરિક્રમાર્થીઓમાં અગાઉથી જ રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે યાત્રા માર્ગ પર આ પ્રકારની દુર્ઘટના સામે આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થા સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
