Narmada: નર્મદા જિલ્લામાંથી પસાર થતી ઉત્તરવાહી માં નર્મદાની પરિક્રમા અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે. ચૈત્ર મહિનામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદા જિલ્લાના રામપુરા-તિલકવાડા ઘાટ પર પરિક્રામા અર્થે આવતા હોય છે.
પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ શુક્રવારની સાંજે નર્મદા જિલ્લાના રામપરા ઘાટે પધારી સમગ્ર પરિક્રમા રૂટનું નિરિક્ષણ કરી સરકારશ્રી દ્વારા ચારેય ઘાટ પર ઉભી કરાયેલી સુવિધાઓને નજરે નિહાળી સંતોષનો ભાવ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો
સચિવે સૌથી પહેલાં રામપુરા ખાતે આવી પહોંચી શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ, જે.ટી., બોટ-લાઈફ જેકેટ, લાઈટિંગ, શ્રદ્ધાળુઓને ન્હાવા માટે તથા ચેન્જિંગ રૂમની અલાયદી વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત, કન્ટ્રોલ રૂમ તથા સીસીટીવી કન્ટ્રોલ રૂમ, આરોગ્ય સુવિધા, મિશન મંગલમની બહેનોના ચા-નાસ્તાના સ્ટોલ તથા નદીના પ્રવાહમાં સંચાલિત બોટમાં બેસી લાઈફ જેકેટ પહેરી આસપાસની સુવિધાઓને પણ નજરે નિહાળી હતી.

પવિત્ર નર્મદાના દર્શન, પરિક્રમા કરીને ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. પરિક્રમા દરમિયાન તેમની સાથે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ચેતન સુથાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિનાકિની ભગોરાએ અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ બાબતે જાણકારી આપી હતી. આ મુલાકાત દરમિયાન સચિવે પરિક્રમા અર્થે આવી રહેલા શ્રદ્ધાળુઓ સાથે સંવાદ કરી સુવિધાઓ અંગે પૃચ્છા કરી હતી.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાએ સંવાદમાં જણાવ્યું કે, ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા તારીખ 17 એપ્રિલ સુધી યોજનાર છે, તે અન્વયે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂજબ સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગતરોજ પરિક્રમાના બીજા દિવસે રાત્રિના સમયે આકસ્મિક સંજોગોમાં વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાના કારણે થોડી મુશ્કેલી સર્જાઈ હતી, પરંતુ તમામ સુવિધાઓનું પુનઃસ્થાપન કરી દેવામાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ કોઈપણ પ્રકારની અફવાઓને ટાળી શ્રદ્ધા સાથે માં નર્મદાની પરિક્રમા અર્થે આવી શકે છે.

30 દિવસ દરમિયાન યોજાનારી પરિક્રમાને ધ્યાને લઈ સંપૂર્ણ સુચારૂ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે. લોકો આ પરિક્રમાનો સુંદર રીતે લાભ લઈ રહ્યાં છે. પરિક્રમા કરીને ધન્યતા અનુભવી ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
આ તકે સચિવ પરિવાર સાથે સંપૂર્ણ પરિક્રમામાં જોડાયા હતા. ભક્તિભાવ ભર્યા માહોલમાં પરિક્રમાના રૂટ પર ફરી તંત્ર દ્વારા ઊભી કરાયેલી સુવિધાઓ, પાર્કિંગ, લાઈટ, વિશ્રામ સ્થળો સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ-આશ્રમો દ્વારા કરવામાં આવી રહેલી સેવા પ્રવૃત્તિ નિહાળીને પ્રશંસા વ્યક્ત કરી હતી.
પરિક્રમા દરમિયાન સચિવ પરિવાર સાથે નર્મદા માતાની આરતીમાં પણ સહભાગી બન્યા હતા. પગપાળા પરિક્રમા સાથે સમગ્ર રૂટનું નિરિક્ષણ કરી સચિવે સંતોષ વ્યક્ત કર્યો હતો.
