Narmada accident news: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસે ગઈકાલે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો વાનના ચાલકે મોટરસાયકલ પર સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળક અને 15 વર્ષીય કિશોરી સહિત કુલ 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે.
દવાખાને જઈ રહ્યો હતો પરિવાર
પ્રાપ્ત વિગતો અનુસાર, ચીકદા તાલુકાના ઓલગામ સ્થિત મંદિર ફળિયામાં રહેતા 67 વર્ષીય હાવલાભાઈ હથિયાભાઈ વસાવા બાઇક પર પોતાના પરિવારના સભ્યોને લઈને ગંગાપુર ખાતે દવાખાને જઈ રહ્યા હતા. તેમની સાથે બાઈક પર ઉમરપાડાના રૂઢિગવાણ ગામના બાજુબેન રાકેશભાઈ વસાવા, 15 વર્ષીય સુહાની વસાવા અને માત્ર દોઢ વર્ષનો માસૂમ વિરમ વસાવા પણ સવાર હતા.
ઇકોની અડફેટે ચડી મોટરસાઈકલ
જ્યારે આ પરિવાર ગંગાપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી આવતી એક બેફામ ઇકો વાને બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક સવાર ચારેય વ્યક્તિઓ રોડ પર ફંગોળાયા હતા. આ ભયાનક અકસ્માતમાં હાવલાભાઈ, બાજુબેન અને માસૂમ વિરમ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: નર્મદા પરિક્રમામાં બે દુર્ઘટના, સુરતનાં 65 વર્ષીય મહિલાનું નિધન; 10 જેટલા લોકોને શ્વાને બચકાં ભર્યા
એક જ પરિવારના 4 લોકોના મોત
આ બનાવમાં 15 વર્ષીય સુહાની વસાવા લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ વિધિની વક્રતા જુઓ કે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને તેણે પણ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા છે.
પોલીસે કરી આરોપીની ધરપકડ
ઘટનાની જાણ થતા જ દેડિયાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને ચારેય મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં એક આખો પરિવાર વિખેરાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે અકસ્માત સર્જનાર વાન ચાલકની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરી છે.
