Loading...

રાજપીપળા: દિવંગત મહંતના રૂમમાંથી વાઘના 40થી વધુ ચામડા અને 133 નખ મળતા ખળભળાટ; વન વિભાગ દ્વારા તપાસ તેજ

મળતી માહિતી મુજબ, ધર્મેશ્વર મહાદેવ મંદિરનું હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરના પ્રથમ માળે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓનું ધ્યાન ગયું હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 09 Jan 2026 10:38 AM (IST)Updated: Fri 09 Jan 2026 10:38 AM (IST)
rajpipla-more-than-40-tiger-skins-and-133-nails-found-in-late-mahants-room-forest-department-intensifies-investigation-670776

Narmada News: રાજપીપળા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી મોટી સંખ્યામાં શંકાસ્પદ વાઘના ચામડા અને નખ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાતના ઇતિહાસમાં વન્યજીવ અવશેષોનો આ સૌથી મોટો જથ્થો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રિનોવેશન દરમિયાન ફૂટ્યો ભાંડો

મળતી માહિતી મુજબ, ધર્મેશ્વર મહાદેવ મંદિરનું હાલ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંદિરના પ્રથમ માળે આવેલા રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓનું ધ્યાન ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ રૂમ 7 જુલાઈ 2025ના રોજ સ્વર્ગસ્થ થયેલા મહંતનો હતો. ટ્રસ્ટીઓએ આ બાબતે લેટર પેડ પર વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સરકારી પંચ સાથે ત્યાં પહોંચી હતી.

વન વિભાગની તપાસમાં મળ્યો મોટો જથ્થો

રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) જીગ્નેશ સોનીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન એક વર્ષો જૂની પતરાની પેટી મળી આવી હતી. આ પેટીમાંથી નીચે મુજબના વન્યજીવ અવશેષો કબજે કરવામાં આવ્યા છે:

  • ચામડા: 37 જેટલા આખા ચામડા અને અન્ય ટુકડાઓ મળી કુલ 40થી વધુ ચામડા.
  • નખ: 133 જેટલા શંકાસ્પદ વાઘના નખ.

FSL રિપોર્ટ બાદ થશે વધુ કાર્યવાહી

આ ચામડા અને નખ ખરેખર વાઘના છે કે અન્ય કોઈ પ્રાણીના કે નકલી છે, તેની ચોકસાઈ કરવા માટે વન વિભાગે સેમ્પલ એફ.એસ.એલ. (FSL) માં મોકલી આપ્યા છે. RFO જીગ્નેશ સોનીએ ઉમેર્યું હતું કે, વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જો FSL રિપોર્ટમાં આ અંગો વાઘના હોવાનું સાબિત થશે, તો દિવંગત મહંત સાથે સંકળાયેલા અન્ય લોકો અને તસ્કરીના નેટવર્કની દિશામાં કડક તપાસ હાથ ધરવામાં આવશે.

મહંતનું કનેક્શન મધ્યપ્રદેશ સાથે

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દિવંગત મહંત મૂળ મધ્યપ્રદેશના વતની હતા. આથી, આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોઈ આંતરરાજ્ય તસ્કરી ગેંગ સામેલ છે કે કેમ, તે વન વિભાગ માટે તપાસનો મુખ્ય વિષય બન્યો છે.