Narmada Parikrama 2026 Start and End Date: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કિનારે યોજાતી ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવી 'ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા'ને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. વર્ષ 2026 માં ચૈત્ર માસ દરમિયાન યોજાનારી આ પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. અહીં જાણો ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026ની તારીખ, રૂટ અને ધાર્મિક મહત્વ.
પરિક્રમાનો સમયગાળો અને તારીખ
વિક્રમ સંવત મુજબ, ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી ચાલતી આ પરિક્રમા વર્ષ 2026 માં 19 માર્ચ, 2026 થી શરૂ થશે અને 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. આ એક મહિનાના સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓ નર્મદાના પવિત્ર તટ પર પદયાત્રા કરી પુણ્ય મેળવશે.
શું છે 'ઉત્તરવાહિની'નું મહત્વ?
હિંદુ ધર્મશાસ્ત્રો અનુસાર, સામાન્ય રીતે નદીઓનો પ્રવાહ સાગરાભિમુખ હોય છે, પરંતુ જ્યાં નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, તે ક્ષેત્રને 'ઉત્તરવાહિની' કહેવામાં આવે છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી લઈને તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે. આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમાં પણ ઉલ્લેખ છે કે નર્મદાના માત્ર દર્શનથી પાપોનો નાશ થાય છે.
એવી માન્યતા છે કે જે શ્રદ્ધાળુઓ શારીરિક અસમર્થતા કે સમયના અભાવે 3000 થી 3500 km લાંબી સંપૂર્ણ નર્મદા પરિક્રમા (જે પૂર્ણ કરતા આશરે 3 વર્ષ લાગે છે) કરી શકતા નથી, તેઓ જો ચૈત્ર માસમાં આ પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા કરે તો તેમને સંપૂર્ણ પરિક્રમા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે.
પરિક્રમાનો રૂટ અને અંતર
આ પરિક્રમાનું કુલ અંતર અંદાજે 22 km જેટલું હોય છે. યાત્રાનો રૂટ નીચે મુજબ રહેતો હોય છે:
યાત્રાળુઓ રામપુરાથી યાત્રા શરૂ કરી નદીના પશ્ચિમ કિનારે ચાલીને તિલકવાડા પહોંચે છે. ત્યાંથી હોડી મારફતે નદી ઓળંગીને સામેના કિનારે (પૂર્વ કાંઠે) જાય છે. ત્યાંથી પરત રામપુરા આવીને ફરી હોડીમાં બેસી મૂળ સ્થાને પરિક્રમા પૂર્ણ કરે છે. ચૈત્ર માસ દરમિયાન અહીં ભક્તિમય માહોલ જોવા મળે છે.
