Narmada: નર્મદામાં ચાલી રહેલી પંચકોષી પરિક્રમામાં રજાના દિવસોમાં ભક્તોનું ઘોડાપુર આવતા ભીડ બેકાબૂ બનવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી. જોકે, નર્મદા પોલીસે કડક વલણ અપનાવવાને બદલે એક સંવેદનશીલ અભિગમ અપનાવ્યો હતો. પીઆઈ વી.કે. ગઢવી અને તેમની ટીમે પરિક્રમાર્થીઓની સુરક્ષાના ભાગરુપ અટકાવ્યા હતા. જે સમયમાં રામધૂન અને લોક સાહિત્ય દ્વારા ભક્તોનું મનોરંજન કરવામાં આવ્યું હતું.
પોલીસનો નરમ અને મિત્રતાભર્યો વ્યવહાર
અમદાવાદથી ત્રીજીવાર પરિક્રમા કરવા આવેલ પરિક્રમાર્થી પ્રિયંકા પટેલના જણાવ્યા મુજબ, તેમણે અગાઉ ભીડમાં ભારે ધક્કામુક્કીનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન પોલીસને આટલી હળવાશ અને મનોરંજનના મૂડમાં જોઈને ખૂબ સારુ લાગ્યું હતું. ધાર્મિક સ્થળો પર પોલીસનો આવો નરમાશયુક્ત અને મિત્રતાભર્યો વ્યવહાર હોવો જોઈએ.
પદયાત્રીઓએ વખાણ કર્યા
ઉપરાંત પરિક્રમાર્થીએ જણાવેલ કે, પીઆઈ ગઢવી સાહેબે અમને ખૂબ મદદ કરી અને ભક્તોને પરિક્રમાનો થાક પણ ઉતારી દીધો હતો. હાલ વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં આવતા ભક્તોએ ખાસ કરીને પોલીસના નરમી ભર્યા વ્યવહારના વખાણ કર્યા છે.
પોલીસની સરાહનીય કામગીરી
ભક્તોના મતાનુસાર, પોલીસનો આવો નરમાશભર્યો અંદાજ તેમને માનસિક શાંતિ આપે છે અને પરિક્રમાનો થાક ઓછો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આ વર્ષે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં આશરે 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતાને ધ્યાને લેતા વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન ખૂબ જ સતર્કતાથી કાર્ય કરી રહ્યા છે.
નર્મદા પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ગઢવીના જણાવ્યા મુજબ, રજાના દિવસોમાં ભીડ વધી જવાથી અમે શ્રદ્ધાળુઓને રોક્યા હતા. તેમજ લાઈનમાં ઉભેલા પદયાત્રીઓ કંટાળે નહી તેમજ વ્યવસ્થા બની રહે માટે રામધૂન અને સાહિત્ય મારફતે તેમને સમજાવ્યા હતા. તેમજ મનોરંજન પૂરુ પાડ્યું હતું.
