Narmada: તાજેતરમાં વડાપ્રધાન મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા રાજપીપળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પાર્ટીમાં ચાલતો આંતરિક જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. આ મામલે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલ હાથ ધરવામાં આવ્યું છે.
હકીકતમાં રાજપીપળામાં આયોજિત કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખનું સન્માન નહતુ કરવામાં આવ્યું. જેના પગલે મહિલા ધારાસભ્ય રોષે ભરાઈ ગયા હતા અને કાર્યક્રમનો બહિષ્કાર કરીને ચાલતી પકડી હતી. તેમણે જતાં-જતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભાજપનો કાર્યક્રમ છોડીને દર્શના દેશમુખ વડીયા નજીક ગાંધીજીની પ્રતિમા પાસે ધરણાં પર બેસી ગયા હતા. તેમની સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. આખરે પ્રદેશ ભાજપ દ્વારા તેમને ગાંધીનગર મળવા બોલાવ્યા છે.
નર્મદા જિલ્લામાં ભાજપને ભારે નુકસાનઃ ધારાસભ્ય
નાંદોદના ધારાસભ્યએ જણાવ્યું કે, થોડા સમય પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ સારી સ્થિતિમાં હતુ. જો કે ચૂંટણી સમયે ધારાસભ્ય કે સાંસદની સાથે ચર્ચા કર્યા વિના પાર્ટીએ મનમાની કરીને પોતાના માનીતા ઉમેદવારોને ટિકિટ આપી દીધી. જેના પરિણામે આજે નર્મદા જિલ્લામાં ભાજપને ભારે નુક્સાન વેઠવું પડ્યું છે અને પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે.
