નર્મદામાં ચૈતર વસાવાના બદલાયેલા સૂર: જન કલ્યાણ શિબિરમાં વિરોધના બદલે કર્યા સરકારી યોજનાઓના વખાણ, રાજકારણ ગરમાયું

સરકારી તંત્રની પીઠ થાબડતા તેમણે કહ્યું કે, એક સામાન્ય તલાટી અને ગ્રામસેવકથી લઈને ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખો અને ફોરેસ્ટ કે વીજ વિભાગના તમામ નાના-મોટા અધિકારીઓ પ્રજા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

By: Joshi MukeshEdited By:Joshi MukeshPublish Date: Fri, 19 Jun 2026 12:09 PM (IST)Updated: Fri, 19 Jun 2026 12:09 PM (IST)
chaitar-vasava-praises-government-schemes-narmada-jan-kalyan-shibir
Chaitar Vasava speech Narmada Jan Kalyan Shibir

Chaitar Vasava praises government schemes: નર્મદા જિલ્લાના ચીકદા તાલુકામાં યોજાયેલી 'જન કલ્યાણ શિબિર' દરમિયાન એક અત્યંત ચોંકાવનારો રાજકીય યુ-ટર્ન જોવા મળ્યો છે. હંમેશા સત્તાધારી પક્ષ, સરકારની નીતિઓ અને વહીવટી તંત્ર સામે આક્રમક વલણ અપનાવતા આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવા આ કાર્યક્રમમાં તદ્દન અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. દર વખતે પ્રશાસનનો વિરોધ કરનારા વસાવાએ આજે જાહેરમાં સરકારી યોજનાઓની મુક્તકંઠે પ્રશંસા કરી સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. એટલું જ નહીં, તેમણે જનમેદનીને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જો વિસ્તારનો સાચો વિકાસ કરવો હશે તો આપણે સૌએ સરકારની સાથે રહીને જ કામ કરવું પડશે. નર્મદા જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટી (AAP) સત્તામાં આવ્યા બાદ અચાનક બદલાયેલા આ સૂર અત્યારે સમગ્ર ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યા છે.

મનરેગા અને આવાસ યોજનામાં નર્મદા અગ્રેસર: ચૈતર વસાવા

નોંધનીય છે કે, અગાઉ નર્મદા જિલ્લામાં મનરેગા (MNREGA) યોજનામાં થયેલા કથિત કૌભાંડને ઉજાગર કરનાર ચૈતર વસાવાએ આ મંચ પરથી ગર્વભેર જણાવ્યું હતું કે, મનરેગા યોજના હેઠળ સ્થાનિક લોકોને રોજગારી આપવામાં નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પાંચમા ક્રમે છે. આ સાથે જ તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં પણ દેડિયાપાડા તાલુકો 1 થી 5 નંબરની અંદર સ્થાન ધરાવે છે. ભૂતકાળમાં સરકારી કાર્યક્રમોમાં સ્ટેજ પરથી જ સરકારી અધિકારીઓનો જાહેરમાં ઉધડો લેવા માટે જાણીતા ચૈતર વસાવાએ હવે અધિકારીઓ પાસેથી સકારાત્મક માહિતી મેળવવાની અને પ્રજાને યોજનાઓ વિશે જાગૃત કરવાની હિમાયત કરી હતી, જે ત્યાં હાજર મતદારો માટે પણ આશ્ચર્યજનક હતું.

ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે 'સહિયારો પ્રયાસ' જરૂરી

પોતાના ભાષણ દરમિયાન વસાવાએ વિસ્તારની મુખ્ય સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે, "આપણા આદિવાસી વિસ્તારમાં હજુ પણ કુપોષણ અને સિકલ સેલ જેવી બે-ત્રણ મોટી સમસ્યાઓ છે, પરંતુ આ એક અવિરત ચાલતી પ્રક્રિયા છે. જો આપણે આપણા ક્ષેત્રને શિક્ષણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ તરફ આગળ લઈ જવું હશે, યુવાનોને રોજગારી અને સરકારી ભરતીઓમાં સફળ બનાવવા હશે, તો કોઈ એક વ્યક્તિના પ્રયાસથી આખા વિસ્તારનો સર્વાંગી વિકાસ શક્ય નથી; આ માટે આપણે બધાએ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો પડશે."

સાંસદ અને અધિકારીઓ રાત-દિવસ મહેનત કરે છે

સરકારી તંત્રની પીઠ થાબડતા તેમણે કહ્યું કે, એક સામાન્ય તલાટી અને ગ્રામસેવકથી લઈને ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખો અને ફોરેસ્ટ કે વીજ વિભાગના તમામ નાના-મોટા અધિકારીઓ પ્રજા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. જો દરેક વ્યક્તિ પોતાની નૈતિક જવાબદારી આ જ રીતે નિભાવશે, તો સૌના સહકારથી આપણે ચોક્કસ આગળ વધી શકીશું.

કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા પણ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. ચૈતર વસાવાએ આ સફળ આયોજન બદલ ખુશી વ્યક્ત કરતા અંતમાં જણાવ્યું કે, જો તમામ પક્ષો અને પ્રશાસન આ જ રીતે સાથે મળીને કામ કરશે, તો આપણો નવનિર્મિત સિંગવડ તાલુકો પણ ભવિષ્યમાં ગુજરાત અને દેશના નકશા પર અગ્રીમ હરોળમાં સ્થાન મેળવશે. વસાવાના આ સકારાત્મક વલણથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો રચાય તેવી અટકળો તેજ થઈ છે.