Loading...

Narmada: નર્મદામાં 'ફૂડ એન્ડ ડ્રગ્સ' વિભાગની સ્વતંત્ર કચેરીનો અભાવ: પ્રવાસન ધામમાં પ્રજાના આરોગ્ય સાથે ચેડાં?

નર્મદા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી કાર્યરત ન હોવાથી ખાણીપીણીની દુકાનો અને હોટલો પર ચેકિંગનો અભાવ છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Fri 27 Mar 2026 10:18 AM (IST)Updated: Fri 27 Mar 2026 10:18 AM (IST)
narmada-news-lack-of-food-safety-checks-in-narmada-due-to-no-food-drugs-office-716308
HIGHLIGHTS
  • આકસ્મિક તપાસના અભાવે લારી-ગલ્લા અને હોટલ સંચાલકો બેફામ
  • નર્મદામાં 'ફૂડ એન્ડ ડ્રગ્સ' વિભાગની સ્વતંત્ર કચેરી કાર્યરત થઈ નથી
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અલાયદી કચેરી અને સ્ટાફની માંગણી

Narmada News: નર્મદા જિલ્લો બન્યાને વર્ષો વીત્યા હોવા છતાં, હજુ સુધી અહીં 'ફૂડ એન્ડ ડ્રગ્સ' વિભાગની સ્વતંત્ર કચેરી કાર્યરત થઈ નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે નર્મદા જિલ્લો આજે વૈશ્વિક પ્રવાસન ધામ બન્યો છે. અહીં પડોશી જિલ્લા ભરૂચ કરતા પણ વધુ હોટલો, ધાબા અને ખાણી-પીણીના સ્ટોલ્સ આવેલા છે, તેમ છતાં તંત્રની ઘોર બેદરકારીને કારણે આ સેક્ટર માત્ર રામભરોસે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

તહેવારો પૂરતું મર્યાદિત ચેકિંગ

જિલ્લામાં કાયમી ઓફિસ ન હોવાથી નિયમિત ચેકિંગનો સદંતર અભાવ જોવા મળે છે. માત્ર દિવાળી જેવા મોટા તહેવારોમાં ભરૂચથી અધિકારીઓ લટાર મારવા આવે છે અને નામ પૂરતી તપાસ કરીને પરત ફરે છે. આ આકસ્મિક તપાસના અભાવે લારી-ગલ્લા અને હોટલ સંચાલકો બેફામ બન્યા છે. જે પ્રવાસીઓ અને સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

પરિક્રમા દરમિયાનની કામગીરી 'હાસ્યાસ્પદ'

હાલમાં નર્મદા પરિક્રમા ચાલી રહી છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ જોડાયા છે. આ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ પરિક્રમા પથ પર આવેલા ભંડારાઓ અને દુકાનોમાં સ્વચ્છતાની તપાસ કરી હતી. સેવાભાવી સંસ્થાઓને તાજો ખોરાક પીરસવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. જોકે, આખું વર્ષ મૌન રહેતું તંત્ર અચાનક સક્રિય થતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, શું આ કામગીરી માત્ર ફોટા પડાવવા અને પ્રસિદ્ધિ મેળવવા પૂરતી જ મર્યાદિત છે?

મુખ્ય પ્રશ્નો અને માગણી

  • ગેરહાજરીનો લાભ: નગરપાલિકા દ્વારા જેમ-તેમ વહીવટ ચલાવવામાં આવે છે, પરંતુ ટેકનિકલ નિષ્ણાતોની ગેરહાજરીમાં ભેળસેળિયા તત્વોને છૂટો દોર મળી ગયો છે.
  • પ્રવાસન પર અસર: લાખો પ્રવાસીઓ જ્યાં આવતા હોય ત્યાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કાયમી વ્યવસ્થા કેમ નથી?
  • કાયમી કચેરીની જરૂરિયાત: માત્ર ધાર્મિક પ્રસંગોએ જાગતું તંત્ર જો કાયમી ઓફિસ શરૂ કરે, તો જ ગુણવત્તા જળવાઈ રહેશે.

નર્મદા જિલ્લાની જનતા અને પ્રવાસીઓના હિતમાં અહીં સત્વરે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની અલાયદી કચેરી અને પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તે સમયની માંગ છે. અન્યથા, આ પ્રકારની 'સીઝનલ' તપાસ પ્રજા માટે માત્ર હાસ્યાસ્પદ બની રહેશે.