25 મેના રોજ અરવિંદ કેજરીવાલ રાજપીપળા આવશે; રોડ શોમાં ભાગ લેશે, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખની વરણી કરાશે

આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદામાં ગાંધીચોકથી રોડ શોનું આયોજન કરવામાં આવશે. જેમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 24 May 2026 04:28 PM (IST)Updated: Sun, 24 May 2026 04:28 PM (IST)
narmada-news-arvind-kejriwal-to-visit-rajpipla-on-may-25-participate-in-road-show

Narmada News: તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લામાં સારું પ્રદર્શન કર્યું હતું. ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષોની વચ્ચે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી પોતાનો પગ જમાવવામાં સફળ રહી છે. ત્યારે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી 25 મે 2026ના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ખાસ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ તકે વિજય યાત્રાના સ્વરુપમાં આમ આદમી પાર્ટી દ્વારા રોડ શોનું આયોજન કરાયું છે. આ મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી કરાશે.

આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, આગામી 25 મે 2026ના રોજ પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવનારા છે. ગુજરાતમાં તેઓ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવશે. રાજપીપળામાં ગાંધીચોકથી 4 વાગ્યે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવિંક કેજરીવાલ સાથે પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં મોટું પરિવર્તન આવ્યું છે. જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યું છે. 25 મેના રોજ નર્મદા જિલ્લા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. તમામ સમાજ અને તમામ વર્ગના લોકો મોટી સંખ્યામાં રાજપીપળામાં યોજાનારા રોડ શોમાં હાજરી આપશે તેવી અપેક્ષા છે.

અરવિંદ કેજરીવાલના રાજપીપળા પ્રવાસ અંગે આપ નેતા પ્રવીણ રામે મોટી સંખ્યામાં લોકોને નર્મદા જિલ્લામાં યોજાનારી વિજય યાત્રામાં ભાગ લેવા જણાવ્યું છે. નર્મદા જિલ્લામાં યોજાઇ રહેલી વિજય યાત્રામાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે. નર્મદા જિલ્લામાં AAPની જિલ્લા પંચાયત બની છે તેની ખુશીમાં વિજયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા તથા આસપાસના તમામ વિસ્તારના લોકોને વિજય યાત્રામાં ભાગ લેશે.