Vadodara: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરા આવી પહોંચ્યા હતા. વડોદરા એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને મોંઘવારીના મુદ્દે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
NEET પરીક્ષાર્થીઓ માટે મફત બસની માંગ
વડોદરા એરપોર્ટ પર મીડિયા સમક્ષ નિવેદન આપતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પેપર લીક મામલે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, NEET પરીક્ષાનું પેપર લીક થવાને કારણે દેશના 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ અત્યારે ભારે દુઃખી અને ડિપ્રેશનમાં સરી પડ્યા છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે થઈ રહેલા આવા ચેડાં ખૂબ જ આઘાતજનક છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આગામી 21 તારીખે NEETની રી-એક્ઝામ (પુનઃ પરીક્ષા) યોજાવા જઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે સરકારે ખાસ સુવિધાઓ ઊભી કરવી જોઈએ.
પંજાબ સરકારનો દાખલો આપતા કેજરીવાલે જણાવ્યું કે, પંજાબમાં અમારી આમ આદમી પાર્ટીની સરકારે 21 તારીખે NEETના તમામ પરીક્ષાર્થીઓ માટે નિઃશુલ્ક (ફ્રી) બસ સુવિધાની જાહેરાત કરી છે. મારી ગુજરાત સરકારને પણ નમ્ર અપીલ છે કે, ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં તે દિવસે પરીક્ષાર્થીઓ માટે એસ.ટી. બસની સુવિધા બિલકુલ મફત કરવામાં આવે.
મોંઘવારી અને ઈંધણ સંકટ પર કેન્દ્ર સરકારને ઘેરી
અરવિંદ કેજરીવાલે દેશમાં પ્રવર્તી રહેલા ઇંધણ સંકટ પર બોલતા કહ્યું કે, દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં અત્યારે ખેડૂતોને સમયસર ડીઝલ મળી રહ્યું નથી, જેના કારણે ખેતી ખોરવાઈ રહી છે.
તેમણે વૈશ્વિક વ્યાપાર નીતિ પર સવાલ ઉઠાવતા કેન્દ્ર સરકારને વિનંતી કરી કે, હાલમાં રશિયા અને ઈરાન ભારતને ખૂબ જ સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ (કાચું તેલ) આપવા માટે તૈયાર છે, પરંતુ ભારત સરકાર અગમ્ય કારણોસર તેમની પાસેથી તેલ ખરીદી રહી નથી. જો કેન્દ્ર સરકાર રશિયા અને ઈરાન પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદે, તો દેશના સામાન્ય નાગરિકો અને ખેડૂતોને મોંઘા ડીઝલ-પેટ્રોલની તકલીફમાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે.
વડોદરાથી તેઓ સીધા જ નર્મદા જિલ્લા તરફ રવાના થયા હતા, જ્યાં આવતીકાલે યોજાનારા રોડ શો ને પગલે આપના સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
