નર્મદા ભાજપમાં આંતરિક વિવાદનો સુખદ અંત: ગાંધીનગર કમલમની મધ્યસ્થીથી નેતાઓ થયા એકજૂટ

નર્મદા જિલ્લા ભાજપનો આંતરિક વિવાદ પ્રદેશ કાર્યાલય 'કમલમ'ની મધ્યસ્થીથી ઉકેલાયો છે. નેતાઓ વચ્ચેના મતભેદો દૂર થતાં હવે પક્ષ આગામી ચૂંટણીઓ માટે એકજૂટ થયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 20 Jun 2026 12:55 PM (IST)Updated: Sat, 20 Jun 2026 01:17 PM (IST)
narmada-bjp-internal-dispute-resolved-kamalam-mansukh-vasava-darshana-deshmukh

Narmada BJP Dispute: નર્મદા જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો હાઈવોલ્ટેજ આંતરિક વિવાદ આખરે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતેની મધ્યસ્થી બાદ સુખદ રીતે ઉકેલાઈ ગયો છે. જિલ્લા ભાજપના મુખ્ય નેતાઓ વચ્ચેના મતભેદો દૂર થતાં હવે આગામી ચૂંટણીઓ માટે પક્ષમાં ફરી એકતા જોવા મળી રહી છે.

વિવાદનું મૂળ અને ઘટનાક્રમ

આ વિવાદની શરૂઆત સ્થાનિક ભાજપના એક કાર્યક્રમ દરમિયાન નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનના મુદ્દે થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો હતો અને વિવાદ એટલી હદે વકર્યો હતો કે, કાર્યકરોએ રસ્તા પર ઉતરી જિલ્લા પ્રમુખ નીલ રાવના રાજીનામાની માંગ સાથે ધરણા કર્યા હતા. પક્ષની આંતરિક ખેંચતાણને કારણે સ્થાનિક કક્ષાએ છબી ખરડાઈ રહી હોવાની ગંભીર નોંધ પ્રદેશ હાઈકમાન્ડે લીધી હતી. પરિણામે, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિતના નેતાઓને તાત્કાલિક ગાંધીનગર તેડાવવામાં આવ્યા હતા.

પરિવારમાં મતભેદો સ્વાભાવિક: મનસુખ વસાવા

પ્રદેશ નેતૃત્વની કડક સૂચના અને સમજાવટ બાદ તમામ નેતાઓએ વિખવાદ ભૂલીને એકજૂથ થવાનો નિર્ણય લીધો છે. સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ભાજપ એક વિશાળ પરિવાર છે અને પરિવારમાં નાના-મોટા મતભેદો થવા સ્વાભાવિક છે. પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ તમામ ગેરસમજો દૂર કરવામાં આવી છે." તેમણે કાર્યકરોને ચેતવણી આપતા સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વિવાદો તાત્કાલિક બંધ કરવા અને શિસ્ત જાળવવા આદેશ આપ્યો છે.

નેતાઓએ આપ્યું એકતાનું વચન

વિવાદના કેન્દ્રમાં રહેલા જિલ્લા પ્રમુખ નીલ રાવે નરમ વલણ અપનાવતા જણાવ્યું હતું કે, "અમારા તમામ મતભેદો ભૂતકાળ બની ગયા છે. સાંસદ મનસુખભાઈ વસાવાનું ઘર મારા માટે મારા પોતાના ઘર સમાન છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, હવે નર્મદા ભાજપમાં કોઈ વિખવાદ નથી.

પ્રદેશ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે, સંગઠનની મજબૂતી જ ચૂંટણીમાં વિજય અપાવી શકે છે. આ બેઠક બાદ નર્મદા ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો હવે આગામી વિધાનસભા ચૂંટણીમાં એકજૂટ થઈને મેદાને ઉતરવા અને પક્ષને વિજયી બનાવવાના સંકલ્પ સાથે કામે લાગ્યા છે.