Narmada News: આદિવાસી રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. છોટુભાઈ વસાવાના પુત્ર અને પૂર્વ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ રાજકીય પલટા બાદ તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે ભાજપના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. મહેશ વસાવાએ જણાવ્યું હતું કે, "અંગ્રેજોએ જે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી હતી, એ નીતિને ભારતની અંદર બિરસા મુંડાજી, ટંટ્યા મામાજી, તિલક માંઝીજી જેવા લડવૈયાઓએ પડકારી હતી. ત્યાર પછી અમારા બંધારણ સભાના જયપાલ સિંહ મુંડાએ સંવિધાન બનાવવા માટે આદિવાસીને રિઝર્વ એરિયા શિડ્યુલ પાંચ અને છ ની અંદર આપેલા. એનું રક્ષણ કરવા માટે અમે લડીએ છીએ. બંધારણને તોડવાનું કામ કરનારાની સામેની અમારી આ લડાઈ છે.
મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા એ અંગે મનસુખ વસાવા શું કહ્યું?
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પહેલા બીટીપી પાર્ટીના જે લીડરો હતા એ ક્યાં જવું, ભાજપમાં જવું, આમ આદમી પાર્ટી જવું કે પછી ટ્રાયબલ પાર્ટીને ફરી મજબૂત કરી ઉભી કરવી એ દ્વિધામાં હતા. પણ કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા અને કેટલાક બાપમાં જતા રહ્યા.
આ પણ વાંચો
મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, રાજકીય ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહેશભાઈ નેશનલ લેવલની પાર્ટી કોંગ્રેસમાં ગયા છે. આવનારા દિવસોમાં હું તો માનું છું કે આમ આદમી પાર્ટી કે બીટીપી કે બાપ કરતાં મહેશભાઈ વસાવા વધુ શક્તિશાળી બનશે. કોંગ્રેસ એક નેશનલ લેવલની પાર્ટી છે અને આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં એટલું બધું કશું નથી અને બાપ પાર્ટીમાં પણ કશું નથી અને બીટીપી તો બિલકુલ પતી ગઈ છે. આવનારા દિવસોમાં ઝઘડિયા વિધાનસભાની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બનશે એવું મારે માનવું છે.
મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા એ અંગે ચૈતર વસાવા શું કહ્યું?
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ મહેશ વસાવાના કોંગ્રેસ પ્રવેશ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, છોટુભાઈ વસાવા જે આદિવાસી નેતા છે, એમના દીકરા મહેશભાઈ વસાવા બીટીપી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. 2024માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને હમણાં ટૂંક સમયમાં જ એમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને આજે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે."
ચૈતર વસાવાએ મહેશ વસાવાની ડેડીયાપાડાથી વિધાનસભા લડવાની સંભવિત ઈચ્છા અંગે કહ્યું હતું કે, એમની કદાચ વિધાનસભા લડવાની ઈચ્છા ડેડીયાપાડાથી હશે, તો લોકશાહી છે. કોઈપણ વ્યક્તિ કોઈપણ પાર્ટીમાંથી કોઈપણ જગ્યાએ લડી શકે છે. હું પણ ત્યાં ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરું છું અને મહેશભાઈ મારા પહેલા ત્યાં ધારાસભ્ય હતા. તો એમની ઈચ્છા હશે કે ડેડીયાપાડામાં કોંગ્રેસના મેન્ડેટ પરથી લડીએ અને ત્યાંના લોકોનું પ્રતિનિધિત્વ કરીએ. તો લોકશાહી છે. બધા જ લોકો આવશે, બધા જ લોકો લડશે. જનતાને જ્યાં પણ વિશ્વાસ હશે, જનતા ત્યાં મતદાન કરશે.
