Loading...

Dahod: ભાજપ સાથે છેડો ફાડનાર મહેશ વસાવાની નવી રાજકીય ઈનિંગ, અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં સામેલ

2024માં મહેશ વસાવા પોતાની પાર્ટી ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) છોડીને ભાજપમાં ભળ્યા હતા. જેના કારણે પિતા છોટુ વસાવા સાથે તેમને મતભેદ પણ થયા હતા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 06 Jan 2026 05:46 PM (IST)Updated: Tue 06 Jan 2026 05:46 PM (IST)
dahod-news-chhotu-vasava-new-political-innings-join-congress-669156
HIGHLIGHTS
  • મહેશ વસાવાની કોંગ્રેસમાં એન્ટ્રીથી આદિવાસી પટ્ટામાં પાર્ટીને બૂસ્ટ મળશે
  • 9 મહિના પૂર્વે જ મહેશ વસાવાએ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું હતુ

Dahod: ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડી કોંગ્રેસમાં જોડાઈને ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે.

દાહોદમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન તેમણે સત્તાવાર રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. કોંગ્રેસ માટે આ જોડાણને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મોટા બૂસ્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે.

ખેડા જિલ્લાના કપડવંજથી શરૂ થયેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો દાહોદ પહોંચ્યો છે, જ્યાં આજે ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે તેનું સમાપન થયું છે. આ સમાપન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મહેશ વસાવા કાળીમહુડી સભા સ્થળે પહોંચીને કોંગ્રેસમાં જોડાયા હતા.

મહેશ વસાવા જાણીતા આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર છે. છોટુ વસાવાએ વર્ષોથી ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય વર્ચસ્વ જાળવી રાખ્યું છે. રાજકારણ વારસામાં મળ્યું હોવા છતાં મહેશ વસાવાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. તેઓ ડેડીયાપાડા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વર્ષ 2024માં મહેશ વસાવાએ પોતાની પાર્ટી BTP છોડીને BJPમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. ગાંધીનગર સ્થિત કમલમ ખાતે તેઓ 500થી વધુ કાર્યકરો સાથે BJPમાં સામેલ થયા હતા. જો કે આ નિર્ણય તેમના પિતા છોટુ વસાવાની રાજકીય લાઇનથી વિપરીત હતો, જેના કારણે પિતા–પુત્ર વચ્ચે મતભેદ પણ સામે આવ્યા હતા. BJPમાં જોડાયા બાદ માત્ર એક વર્ષમાં જ પાર્ટીની વિચારધારા અને કાર્યશૈલીથી અસંતોષ વ્યક્ત કરીને તેમણે 9 મહિના પહેલાં રાજીનામું આપી દીધું હતું.

હવે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે જણાવ્યું હતું કે, જન આક્રોશ યાત્રા શરૂ થયા બાદ અનેક રાજકીય અને સામાજિક આગેવાનો કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મહેશ વસાવા જેવા અનુભવી અને લોકપ્રિય નેતાનું જોડાણ કોંગ્રેસ માટે મોટી તાકાત સાબિત થશે.

કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો બીજો તબક્કો આજે દાહોદના ગોવિંદ કંબોઈ ધામ ખાતે પૂર્ણ થયો છે, ત્યારે મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાવું ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે.