Loading...

ડેડીયાપાડા TDO જગદીશ સોનીનું લગ્નજીવન વિવાદમાં: પત્નીએ દહેજ-મારઝૂડના ગંભીર આરોપો કર્યા, TDOએ પાયાવિહોણા ગણાવ્યા

પત્ની પ્રિયંકાએ પતિ જગદીશ સોની સામે મારઝૂડ, દહેજની માંગણી અને માનસિક-શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે. TDO જગદીશ સોનીએ પત્નીના તમામ આરોપોને ખોટા અને આધારવિહિન ગણાવ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 23 Jan 2026 12:57 PM (IST)Updated: Fri 23 Jan 2026 12:57 PM (IST)
dedipada-tdo-jagdish-sonis-married-life-in-controversy-wife-alleges-dowry-harassment-denies-claims-678475

Narmada News: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી (TDO) જગદીશ સોનીનું લગ્નજીવન ગંભીર વિવાદમાં સપડાયું છે. જગદીશ સોની અને તેમની પત્ની પ્રિયંકા વચ્ચે વધતા મતભેદો હવે જાહેર અને કાનૂની સ્તરે પહોંચી ગયા છે. બંને પક્ષે એકબીજા સામે ગંભીર આરોપ-પ્રતિઆરોપ લગાવતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે.

પત્ની પ્રિયંકાએ પતિ જગદીશ સોની સામે મારઝૂડ, દહેજની માંગણી અને માનસિક-શારીરિક ત્રાસના ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રિયંકાનો આરોપ છે કે લગ્ન બાદ પતિએ વારંવાર તેમના પર હાથ ઉગામ્યો હતો અને પિયર પાસેથી રૂ. 50 લાખ રોકડ તથા સોનાના ઘરેણાં લાવવા દબાણ કર્યું હતું. તેમણે જણાવ્યું છે કે 20 ઓક્ટોબર 2025થી તેમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત, પતિનો અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.

પ્રિયંકાએ વધુમાં એવો ગંભીર દાવો કર્યો છે કે તેમની ઇચ્છા વિરુદ્ધ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. તેમણે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવાની ફરિયાદ કરી છે. અંતે, તેમણે રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ, TDO જગદીશ સોનીએ પત્નીના તમામ આરોપોને ખોટા અને આધારવિહિન ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ લગ્ન ખાનગી મેરેજ બ્યુરો મારફતે થયા હતા અને લગ્નમાં કોઈપણ પ્રકારનું દહેજ, ફર્નિચર કે સામાન લેવાયો નથી. લગ્ન સંબંધિત ઓડિયો-વિડિયો પુરાવા તેમના પાસે હોવાનો પણ દાવો કર્યો છે.

જગદીશ સોનીએ પ્રતિઆક્ષેપ કરતા કહ્યું કે પ્રિયંકા રાજસ્થાનના રિવાજોનો હવાલો આપી તેમની માતા પાસે વારંવાર સોનાની માંગ કરતી હતી અને “મારો પતિ કમાય છે તો તેનો ઉપયોગ હું જ કરીશ” જેવા નિવેદનો આપતી હતી, જેના કારણે સાસુ-વહુ વચ્ચે સતત ઝઘડા થતા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ચાર મહિના પહેલા પ્રિયંકાએ તેમની માતા જશોદાબેન પર હુમલો કર્યો હતો, જે અંગે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પ્રિયંકા ફરી ઘરે આવવા તૈયાર હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ જગદીશ સોની તેને ઘરે લાવવા તૈયાર નથી. બંને પક્ષે કાનૂની કાર્યવાહી શરૂ થતાં આ મામલો હવે કોર્ટ અને પોલીસ તપાસના દોરમાં પ્રવેશી ગયો છે.