Arvind Kejriwal Gujarat Visit: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટી (AAP) એ ભવ્ય જીત હાંસલ કરી છે. આ ઐતિહાસિક વિજય બાદ પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે એટલે કે 24 મે, રવિવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
ત્રણ દિવસીય મુલાકાતનો સંપૂર્ણ કાર્યક્રમ
આગામી વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાયો વધુ મજબૂત કરવા અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવે છે. તેમના ત્રણ દિવસના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે:
- 24 મે, રવિવાર: પ્રવાસના પ્રથમ દિવસે અરવિંદ કેજરીવાલ ગુજરાત AAP ના પદાધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજશે.
- 25 મે, સોમવાર: નર્મદા જિલ્લા પંચાયતની જીતની ઉજવણીના ભાગરૂપે અરવિંદ કેજરીવાલ નર્મદાના રાજપીપળામાં એક ભવ્ય રોડ શો કરશે.
- 26 મે, મંગળવાર: પ્રવાસના અંતિમ દિવસે તેઓ ગુજરાતમાં જ રોકાશે અને પાર્ટીના નેતાઓ સાથે ભાવિ રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરશે. આ ઉપરાંત રવિવારના રોજ પણ ભાવિ રણનીતિને લઈ ચર્ચા કરવામાં આવશે.
નર્મદા જિલ્લા પંચાયત પર "AAP" રાજ
નોંધનીય છે કે, ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભલે આમ આદમી પાર્ટીને મહાનગરપાલિકાઓમાં ધારી સફળતા ન મળી હોય. પરંતુ રાજ્યની 34 જિલ્લા પંચાયતમાંથી એકમાત્ર નર્મદા જિલ્લા પંચાયત પર તેઓ કબજો જમાવવામાં સફળ રહ્યા છે. માત્ર જિલ્લા પંચાયત જ નહીં, પરંતુ અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર બેઠકો પર વિજય મેળવ્યો છે.
આ પણ વાંચો: નર્મદા જિલ્લાની આદિવાસી જનતા AAPની ભ્રામક વાતોમાં આવી જતાં ભાજપે સત્તા ગુમાવીઃ મનસુખ વસાવા
આ પરિણામોથી ઉત્સાહિત થઈને, હવે આમ આદમી પાર્ટીએ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલની આ મુલાકાત અને પદાધિકારીઓ સાથેની બેઠકો એ જ દિશામાં લેવાયેલું એક મોટું રણનીતિક પગલું છે.
