ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાની અનોખી પહેલ: સરકારી ગ્રાન્ટ ન મળતા પોતાના પગારમાંથી દોઢ લાખ રૂપિયા આપીને બંધાવ્યો ગામનો કૂવો

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ નવા ખાખરા હડમતીયા ગામમાં સરકારી ગ્રાન્ટની જોગવાઈ ન હોવાથી પોતાના પગારમાંથી ₹1.50 લાખ આપીને કૂવો તૈયાર કરાવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 17 Jun 2026 01:08 PM (IST)Updated: Wed, 17 Jun 2026 01:08 PM (IST)
junagadh-news-gopal-italia-donates-salary-for-village-well-construction-visavadar

Visavadar MLA Gopal Italia: વિસાવદર-ભેંસાણના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ પોતાના મતવિસ્તારમાં એક અનોખી પહેલ કરીને ફરી એકવાર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ભેંસાણ તાલુકાના નવા ખાખરા હડમતીયા ગામમાં ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે પોતાના ધારાસભ્યના પગારમાંથી દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપીને ગામનો જર્જરિત કૂવો નવો બનાવવામાં સહયોગ આપ્યો છે.

ગ્રામજનોએ ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાનો આભાર માન્યો

તાજેતરમાં ગોપાલ ઈટાલીયાએ ગામની મુલાકાત દરમિયાન આગેવાન શૈલેષભાઈ કથીરિયાના ઘરે ચા-પાણી મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગ્રામજનોએ તેમને તૈયાર થયેલો નવો કૂવો બતાવ્યો અને સહયોગ બદલ જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો.

ધારાસભ્યે કૂવો બનાવવા દોઢ લાખ આપ્યા

ગોપાલ ઈટાલીયાના જણાવ્યા અનુસાર, અગાઉ ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ જર્જરિત કૂવાના પુનઃનિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરી હતી. જોકે આવા કામ માટે સરકારી ગ્રાન્ટની જોગવાઈ ન હોવાથી તેમણે વ્યક્તિગત સ્તરે મદદ કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ગ્રામજનોને કૂવાનું કામ શરૂ કરવા જણાવ્યું અને પોતાના પગારમાંથી કુલ દોઢ લાખ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી. તેમાં એક લાખ રૂપિયા અગાઉ આપવામાં આવ્યા હતા અને બાકીના પચાસ હજાર રૂપિયા પણ આપવાના હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગોપાલ ઈટાલીયા છેલ્લા કેટલાક સમયથી પોતાના મતવિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સક્રિય રહ્યા છે. ખેડૂતોના વીજપોલ સંબંધિત વિરોધ દરમિયાન તેમણે ખેડૂતોને સમર્થન આપીને તેમની સમસ્યાઓને વાચા આપી હતી. ઉપરાંત, પોતાના મતવિસ્તારના વિવિધ ગામોમાં મંજૂર થયેલા વિકાસકાર્યોની યાદી જાહેર કરીને તેમણે પારદર્શિતા દાખવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

કામગીરીને સ્થાનિક લોકોનો પ્રતિસાદ મળ્યો

તેમની આ કામગીરીને સ્થાનિક લોકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. અનેક લોકોએ વિકાસકાર્યો અંગે ખુલ્લી માહિતી આપવાની અને વ્યક્તિગત સ્તરે પણ લોકોની જરૂરિયાતમાં સહયોગ કરવાની તેમની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. નવા ખાખરા હડમતીયા ગામમાં કૂવાના નિર્માણમાં આપેલા યોગદાન બાદ ફરી એકવાર ગોપાલ ઈટાલીયાના આ પગલાની ચર્ચા શરૂ થઈ છે.