Junagadh News: બંધ રસ્તા અને બેલા કાંડને લઈને ચર્ચામાં આવેલા ભેસાણ તાલુકાનું વિશળ હડમતીયા ગામ તો યાદ હશે જ. ફરી એજ વિવાદમાં વિશળ હડમતીયા ગ્રામ પંચાયતે એ મકાન માલિકને ઘરના પુરાવા સાત દિવસમાં રજૂ કરવા નોટિસ ફટકારી છે. ગોપાલ ઈટાલિયા તો મુદ્દો ઉઠાવી લોક ચાહના મેળવી ગયા પરંતુ હવે મકાન માલિક માટે આભ ફાટ્યું છે. આગળ શું થશે તે સમય બતાવશે.
મકાન માલિકને દસ્તાવેજો રજૂ કરવા 7 દિવસની નોટિસ
ભેસાણ તાલુકાના હડમતીયા ગ્રામ પંચાયતે એક મકાન માલિકને તેમના મકાનના દસ્તાવેજો 7 દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે. પંચાયત દ્વારા જાહેર કરાયેલા એક પત્રમાં, બાબુભાઈ વેલજીભાઈ ગાવલીયાને તેમના મકાન સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 13 ઓગસ્ટ, 2025ના રોજ જારી કરાયેલ પત્રમાં જણાવ્યા મુજબ, પત્ર મળ્યાની તારીખથી 7 દિવસની અંદર દસ્તાવેજો રજૂ કરવા પડશે. પંચાયત દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજોમાં મકાન બાંધકામની મંજૂરી, પંચાયત વેરાની પહોંચ, બિનખેતી દસ્તાવેજ અને બિનખેતી હુકમની નકલનો સમાવેશ થાય છે. અન્યથા પંચાયતના રેકર્ડ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગોપાલ ઇટાલિયાએ બેલા વિવાદ અંગેનો વીડિયો શેર કર્યો હતો
ગોપાલ ઇટાલિયાએ 27 જુલાઈ 2025ના રોજ પોતાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ભેસાણ તાલુકાના હડમતીયા (વિશળ) ગામે મારી મીટિંગ હતી. આ દરમ્યાન ગામના એક મહિલાએ આવીને મને જણાવ્યું હતું કે, તેમના ઘરના મુખ્ય દરવાજાની આગળ માથાભારે વ્યક્તિએ પથ્થરના બેલા મૂકીને તેમનો આવવા જવાનો રસ્તો બંદ કરી દીધો હતો. છેલ્લા આઠ વર્ષથી મહિલાના ઘરે આવવા જવાના રસ્તામાં અવરોધ ઉભો કરીને દાદાગીરી કરતો હતો. અનેક જગ્યાએ અરજીઓ આપી ફરિયાદ કરી હોવા છતાંય મહિલાના ઘરની આગળથી બેલા હટાવવામાં સરકારીતંત્ર નિષ્ફળ રહ્યું છે. આજરોજ મહિલાના ઘરે જઈને મેં જાતે જ બેલાના પથ્થરો ઉચકી ઉચકીને દૂર ફેંકીને મહિલાના ઘરે આવવાનો રસ્તો ચોખ્ખો કરી આપ્યો છે.
ગોપાલ ઇટાલિયાએ દીવાલ હટાવ્યા બાદ શું કહ્યું હતું સરપંચે
ગોપાલ ઇટાલિયાએ દીવાલ હટાવ્યા બાદ, તે જ રાત્રે ગામના સરપંચ અને આગેવાનોએ ગ્રામજનો સાથે મળીને ફરીથી બેલાની દીવાલ ઊભી કરી દીધી હતી. ભેસાણ તાલુકા ભાજપના ઉપપ્રમુખે ગોપાલ ઇટાલિયા પર ગામમાં અશાંતિ ફેલાવવાનો ગંભીર આરોપ મૂક્યો છે. ગામના સરપંચ અને આગેવાનોએ સ્પષ્ટતા કરી કે આ મામલો છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. તેમણે મામલતદાર અને પ્રાંત અધિકારીના આદેશો રજૂ કરીને જણાવ્યું કે સર્વે નંબર 292 વાળાનો આ બાજુ કોઈ અધિકાર નથી અને તેમનો રસ્તો દક્ષિણ દિશામાં છે. તેમણે આરોપ લગાવ્યો કે જે મહિલાની તરફેણમાં ઇટાલિયાએ કાર્યવાહી કરી, તે ખોટી રીતે ગેરકાયદેસર રીતે આ તરફ દરવાજો બનાવવા માટે ખોટા આક્ષેપો કરી રહી છે, કારણ કે તેમની પ્રવેશ આ બાજુથી છે જ નહીં. સરપંચે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ગામના મતોથી ચૂંટાયેલા છે અને તેમને કોઈ પક્ષ સાથે સંબંધ નથી.
