Nadiad News:ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વલેતવા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની (SMC) ટીમે બાતમીના આધારે એક મોટા દારૂના અડ્ડા પર દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. નર્મદા કેનાલ પાસે આવેલા ભગુભાઈ ફુલાભાઈ પરમારના બે માળના મકાન અને પાછળ આવેલા ગોડાઉનમાંથી આ જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી એક આરોપીને રંગેહાથ ઝડપી લીધો છે, જ્યારે મુખ્ય સંચાલકો સહિત ચાર આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે. આ ગુનામાં ખેડા જિલ્લા પંચાયતના પીપળાતા બેઠકના ભાજપના સભ્ય પ્રફુલ પરમાર ઉર્ફે સ્વામીની સંડોવણી બહાર આવતા સમગ્ર જિલ્લાના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
80 ફૂટ લાંબા શેડમાં ચાલતું હતું ગોડાઉન
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ખેડા જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે વલેતવા ગામની સીમમાં ભગુભાઈ પરમાર પોતાના રહેણાંક મકાન અને ગોડાઉનમાં ગેરકાયદેસર દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે. પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડતા મકાનની પાછળના ભાગે આવેલા આશરે 80 ફૂટ લાંબા અને 20 ફૂટ પહોળા શેડ (ગોડાઉન)માંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો ભરેલા ખાખી અને સફેદ કલરના કાર્ટન મળી આવ્યા હતા.
પોલીસે ગોડાઉનમાંથી રોયલ સ્ટેગ, ઓલ સીઝન્સ, મેજિક મોમેન્ટ્સ વોડકા અને એવરગ્રીન વ્હીસ્કી સહિતની કુલ 1,033 નંગ સીલબંધ બોટલો કબજે કરી છે. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત ₹5,07,644 આંકવામાં આવી છે. આ ઉપરાંત પકડાયેલા આરોપી પાસેથી ₹10,000નો મોબાઈલ મળી કુલ ₹5,17,644નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી 25 વર્ષીય હિતેષ અરવિંદભાઈ પરમારને ઝડપી લીધો હતો. તેની કડક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ દારૂનો જથ્થો મકાન માલિક ભગુભાઈ પરમાર, અતુલ રાજેશભાઈ પરમાર અને ભાજપના જિલ્લા પંચાયત સભ્ય પ્રફુલભાઈ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમારનો છે. આ ત્રણેય ઈસમો ભાગીદારીમાં દારૂનો ગેરકાયદેસર ધંધો કરે છે અને બહારથી વાહનોમાં દારૂ મંગાવી અહીં સંગ્રહ કરતા હતા.
બોટલો પરથી બેચ નંબર ભૂંસાડાયા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ અગાઉ પણ દારૂના ગુનામાં સંડોવાયેલા છે અને તેઓ આખી ટોળકી બનાવીને ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા. પકડાયેલા જથ્થાની ઓળખ ન થાય તે માટે આરોપીઓએ બોટલો પરથી મેન્યુફેક્ચરિંગ તારીખ અને બેચ નંબર પણ ભૂંસી નાખ્યા હતા.
