Nadiad Municipal Commissioner Fake WhatsApp Account: રાજ્યમાં સરકારી ઉચ્ચ અધિકારીઓના નામે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને છેતરપિંડી આચરતી સાયબર ગેંગ સક્રિય થઈ છે. આ વખતે સાયબર ગુનેગારોના નિશાના પર નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર કિરણ ઝવેરી આવ્યા છે.
કિરણ ઝવેરીના નામે ફેક વોટ્સએપ એકાઉન્ટ
કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નડિયાદ મ્યુનિશિપલ કમિશનર કિરણ ઝવેરીના નામ અને સત્તાવાર ફોટાનો દુરુપયોગ કરીને વ્હોટ્સએપ પર નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ એકાઉન્ટ પરથી સ્થાનિક રહીશો, વહીવટી સ્ટાફ અને પરિચિતોને મેસેજ કરવામાં આવી રહ્યા છે.
વિયેતનામ અને નેપાળના નંબરોનો ઉપયોગ
સૌથી મોટી ચોંકાવનારી બાબત એ છે કે, આ ફેક વોટ્સએપ એકાઉન્ટ્સ કોઈ સ્થાનિક કે ભારતીય નંબર પરથી નહીં, પરંતુ વિદેશી નંબરો પરથી ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં કમિશનરના નામે એક નહીં પરંતુ બે અલગ-અલગ વિદેશી નંબરો સક્રિય હોવાનું બહાર આવ્યું છે:
- પ્રથમ એકાઉન્ટ: વિયેતનામના આંતરરાષ્ટ્રીય નંબર +84917042130 પર કાર્યરત
- દ્વિતીય એકાઉન્ટ: નેપાળના આંતરરાષ્ટ્રીય નંબર +9779713163785 પરથી ઓપરેટ
આ બંને નંબરોના વોટ્સએપ પ્રોફાઈલ પિક્ચર (DP) અને સ્ટેટસમાં કમિશનર કિરણ ઝવેરીનો ઓફિશિયલ ફોટો મૂકીને લોકોને છેતરવાનો પદ્ધતિસરનો પ્રયાસ થઈ રહ્યો છે.

'તમે કેમ છો?' કહીને ચેટિંગની શરૂઆત
સાયબર ગઠિયાઓ આ વોટ્સએપ નંબર પરથી લોકોને મેસેજ કરીને સામાન્ય પૂછપરછથી વાર્તાલાપ શરૂ કરી રહ્યા છે. તેમાં મુખ્યત્વે 'તમે કેમ છો?' અને 'હાલમાં ક્યાં છો?' તેવા પ્રાથમિક સવાલ પૂછીને વાતચીત આગળ વધારવામાં આવે છે.
સાયબર ક્રાઈમ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આવી ગેંગ સામાન્ય રીતે વહીવટી અધિકારીઓના નામે વાતચીત શરૂ કરીને સામેવાળી વ્યક્તિનો વિશ્વાસ જીત્યા બાદ નાણાકીય મદદ અથવા એમેઝોન ગિફ્ટ કાર્ડ જેવી ભેટ-સોગાદોની માંગણી કરતી હોય છે.
વહીવટી વર્તુળોમાં દોડધામ અને તંત્રની અપીલ
આ નકલી એકાઉન્ટ્સ ચોક્કસ કયા હેતુથી બનાવવામાં આવ્યા છે અને આ આંતરરાષ્ટ્રીય રેકેટ પાછળ કઈ સાયબર ગેંગ સક્રિય છે, તેની સત્તાવાર વિગતો હજી સામે આવી નથી. જોકે, નડિયાદ મહાનગરપાલિકાના સર્વોચ્ચ અધિકારીના નામે જ છેતરપિંડીનો પ્રયાસ થતા વહીવટી વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આવા કોઈ પણ શંકાસ્પદ મેસેજનો જવાબ ન આપે અને સતર્ક રહે.
