Nadiad Municipal Corporation Elections 2026: નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં 52 માંથી 51 બેઠકો પર કેસરિયો લહેરાવી ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે. આ પ્રચંડ જીત બાદ હવે સૌની નજર શહેરના પ્રથમ 'મેયર' કોણ બનશે તે પ્રશ્ન પર ટકેલી છે. વિજેતા ઉમેદવારોમાં મેયર પદ મેળવવા માટે અંદરખાને લોબિંગ શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ મોવડી મંડળ માટે જાતિગત સમીકરણો, જૂથવાદ અને વહીવટી અનુભવ વચ્ચે સંતુલન જાળવવું એ 'કપરા ચઢાણ' સમાન સાબિત થઈ રહ્યું છે.
જૂથવાદ અને સામાજિક સંતુલનનું ગણિત
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પક્ષ માટે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને અજય બ્રહ્મભટ્ટના જૂથો વચ્ચે સંતુલન જાળવવું અત્યંત અનિવાર્ય છે. જો મેયર પદ પંકજભાઈ દેસાઈના જૂથને આપવામાં આવે, તો સ્ટેન્ડિંગ કમિટી કે ડેપ્યુટી મેયરનું પદ બીજા જૂથને ફાળવવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. મેયર પદ માટે માત્ર ઉમેદવારની વફાદારી જ નહીં, પરંતુ તેમની શૈક્ષણિક લાયકાત અને જ્ઞાતિ વ્યવસ્થાને આધારે જ અંતિમ નામ નક્કી કરવામાં આવશે.
મેયર પદની રેસમાં અગ્રેસર દાવેદાર
- મેઘના વિકાસકુમાર શાહ (વોર્ડ-7): ધારાસભ્યના વિશ્વાસુ ગણાય છે, અને વણિક સમાજના પ્રતિનિધિ તરીકે તેમનો દાવો મજબૂત છે. તેમની પાસે બહોળો સંગઠનાત્મક અનુભવ પણ છે.
- મયુરકુમાર હર્ષદભાઈ પટેલ (વોર્ડ-9): પક્ષના શીર્ષ નેતૃત્વ સાથે ગાઢ સંપર્ક અને પાટીદાર ચહેરા તરીકે તેઓ આ રેસમાં છે.
- મનીષભાઈ પટેલ (વોર્ડ-11): પીપલગના પૂર્વ સરપંચ તરીકેનો તેમનો વહીવટી અનુભવ અને ધારાસભ્ય સાથેની નિકટતા તેમને મેયર પદ માટે ફાયદો કરાવી શકે છે.
- સ્નેહલબેન વ્રજેશ પટેલ (વોર્ડ-12): પૂર્વ કમિટી ચેરમેન અને સારી સામાજિક પ્રતિષ્ઠા ધરાવતા મહિલા ઉમેદવાર તરીકે તેઓ મેયર પદ માટેના સબળ દાવેદાર ગણાય છે.
- ઈશીત જગદીશભાઈ પટેલ (વોર્ડ-13): એક યુવા ચહેરો અને ઉત્તરસંડાના પૂર્વ સરપંચ તરીકે તેમના વિકાસકાર્યોના આધારે તેમનું નામ પણ મેયર પદ માટેની ચર્ચામાં છે.





આ પણ વાંચો: Nadiad Municipal Election Result: નડિયાદ મનપામાં ભાજપ, 52 બેઠકોમાંથી 51 જીતી; વાંચો કઈ બેઠક
નિર્ણયની ઘડી નજીક
મહાનગરપાલિકા બન્યા બાદ હવે નડિયાદ શહેરના આયોજનબદ્ધ વિકાસ માટે વહીવટી કુશળતા ધરાવતા નેતાની તાતી જરૂરિયાત છે. હાલમાં ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે વિજયોત્સવનો માહોલ છે, પરંતુ અંદરખાને પદ મેળવવા માટેના પ્રયાસો ખૂબ તેજ બન્યા છે. નડિયાદના પ્રથમ મેયરનું સત્તાવાર નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જ જાહેર થશે, ત્યાં સુધી નડિયાદવાસીઓમાં આતુરતા યથાવત રહેશે.
