Prostitution under guise of spa: નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સહિત રાજ્યના વિવિધ શહેરોમાં સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારના ગેરકાયદેસર કારોબાર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. નડિયાદ અને અંકલેશ્વર પંથકમાં સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો વચ્ચે ભરૂચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મોટી કાર્યવાહી કરી છે.
નડિયાદના ઓનેસ્ટ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું
બીજી તરફ નડિયાદ ટાઉન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, શહેરના મહા ગુજરાત નજીક આવેલા ખેતા તળાવ પાસેના બેવર્લી ઓકડ કોમ્પ્લેક્સમાં “ઓનેસ્ટ સ્પા”ની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. મળેલ ચોક્કસ બાતમીના આધારે નડિયાદ ટાઉન પોલીસે કોમ્પ્લેક્ષના ત્રીજા માળે દરોડો પાડ્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપી ઘનશ્યામ ઉર્ફે મોન્ટુ ઉમેદભાઈ પરમાર અને જેનીફરબેન દ્વારા સ્પાની આડમાં બહારથી યુવતીઓ બોલાવી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપીનો મોબાઈલ, કાઉન્ટર પરથી રોકડા રૂ. 1,500, ગ્રાહકોની વિગતો લખેલી ડાયરી, સીપી પ્લસ કંપનીનું DVR તેમજ સાહેદ ઓમપુ પાસેથી મળેલા રૂ. 2,500 અને અન્ય વાંધાજનક સામગ્રીને જપ્ત કરી હતી. આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસે ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: નડિયાદમાં મેગા ડિમોલિશન: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 47 વર્ષ જૂની 48 દુકાનો તોડવાની કાર્યવાહી
અંકલેશ્વરના રોઝ સ્પામાં ચાલતો ગોરખધંધો
અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે આવેલા સિગ્નેચર શોપિંગ સેન્ટરમાં કાર્યરત “રોઝ સ્પા” માં દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી મળતા AHTU શાખાના PI ભાવના મહેરીયાના માર્ગદર્શન હેઠળ ડમી ગ્રાહક મોકલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સંકેત મળતા જ પોલીસે દરોડો પાડ્યો હતો.
છ યુવતીને મુક્ત કરી: મેનેજર ઝડપાયો, સ્પાની સંચાલિકા ફરાર
જેમાં સ્પામાંથી છ યુવતીઓ મળી આવી હતી. તમામ યુવતીઓને નોટિસ આપી મુક્ત કરવામાં આવી હતી, જ્યારે મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુ વકતારામની અટકાયત કરવામાં આવી હતી. સ્થળ પરથી રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત રૂ. 11,500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્પાની મહિલા સંચાલિકા અનિતાસિંહ રામબરનને ફરાર જાહેર કરી વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
આ મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે સમાજમાં ફેલાતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવશે.
