Loading...

Nadiad: દિનશા પટેલ કોલેજના વિદ્યાર્થીનો આપઘાત, માનસિક ત્રાસનો આક્ષેપ; પ્રિન્સિપાલ સહિત પાંચ લોકો સામે એટ્રોસીટી સહિત FIR

19 વર્ષીય જય પાટીલે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં કોલેજના પ્રોફેસરો પર ગંભીર આક્ષેપ કર્યા હતા.  

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 05 Feb 2026 02:59 PM (IST)Updated: Thu 05 Feb 2026 02:59 PM (IST)
nadiad-dinsha-patel-college-student-suicide-case-atrocities-fir-against-five-accused-686236
HIGHLIGHTS
  • 19 વર્ષીય વિદ્યાર્થી જય પાટીલે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી
  • પાંચ લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા-એટ્રોસિટી હેઠળ ગુનો
  • જય પાટીલે આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી

Nadiad student commits suicide: નડિયાદ શહેરમાં આવેલી દિનશા પટેલ નર્સિંગ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 19 વર્ષીય જય વિજયકુમાર પાટીલે પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવ્યો હતો. આ દુઃખદ ઘટના બાદ મૃતક વિદ્યાર્થીના પિતાની ફરિયાદના આધારે ચાર દિવસ પછી નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં કોલેજના જવાબદાર લોકો સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ કર્યો આપઘાત  

મળતી માહિતી મુજબ મંજીપુરા વિસ્તારમાં રહેતા જય પાટીલે આપઘાત કરતા પૂર્વે એક હૃદયદ્રાવક સુસાઇડ નોટ લખી હતી. નોટમાં તેણે “સોરી મમ્મી, હું કંટાળી ગયો છું” જેવા શબ્દો લખી કોલેજની કેટલીક મેડમ દ્વારા થતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. વિદ્યાર્થીએ આક્ષેપ કર્યો હતો કે પુરાવા વગર તેના પર ખોટા આરોપ મૂકીને તેને બદનામ કરવામાં આવી રહ્યો હતો, જેના કારણે તે ભારે માનસિક દબાણમાં હતો.

પ્રોફેસરો સામે કર્યા ગંભીર આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર કોલેજના કેટલાક પ્રોફેસરો દ્વારા જયને વારંવાર ટોર્ચર કરવામાં આવતો હતો. મૃતકના પિતા વિજયભાઈએ પોલીસને જણાવ્યું કે, થોડા દિવસ અગાઉ તેમને કોલેજમાં બોલાવીને ચેતવણી આપવામાં આવી હતી કે જો વિદ્યાર્થીના વર્તનમાં સુધારો નહીં થાય તો તેને લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે. આ પ્રકારની ધમકી અને દબાણને કારણે જય છેલ્લા ત્રણ દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતો.

કોલેજના પ્રિન્સિપાલ સહિત પાંચ લોકો સામે ફરિયાદ

આ મામલે પોલીસે કોલેજના પ્રિન્સિપાલ સહિત ધારા મેડમ, પ્રકૃતિ મેડમ, શહેરીન મેડમ અને એક અંગત વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. બીજી તરફ કોલેજ પ્રશાસને દાવો કર્યો છે કે વિદ્યાર્થીને માત્ર શિસ્તના મુદ્દે સમજાવવામાં આવ્યો હતો, અને તેણે અગાઉ ગેરરીતિ બદલ માફીપત્ર પણ આપ્યા હતા.

પોલીસ તપાસ અને કાર્યવાહી

હાલ પોલીસે સુસાઈડ નોટ અને મોબાઈલ રેકોર્ડ્સ કબજે કરી તપાસ શરૂ કરી છે. સાથે જ કોલેજ સ્ટાફની પૂછપરછ, CCTV ફૂટેજ અને અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શિક્ષકોના વલણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જ્યારે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.