Nadiad News: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામ ખાતે મદનમોહન મહારાજની દ્વિશતાબ્દી મહોત્સવ ધોલેરાધામમાં ઉપલક્ષમાં મહાસુદ પૂર્ણિમા રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય ઉત્સવમાં 45 હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસ સ્વામીએ આ પ્રસંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયામાં સુરાખાચરના દરબારમાં શાકોત્સવ ઉજવ્યો હતો. તે પરંપરાનું પાલન કરતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવ્ય પ્રસંગે વડતાલ મંદિરમાં બિરાજમાન દેવોને શાકોત્સવનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

આ શાકોત્સવમાં મહારાજ રાકેશપ્રસાદ મહારાજ, વડતાલ મંદિરના ચેરમેન ડૉ. શા. સંતવલ્લભદાસ સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશદાસ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમપ્રકાશદાસ સ્વામી, તથા ટ્રસ્ટી સભ્ય હરિકૃષ્ણાનંદ સહિતના અનેક સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર શાકોત્સવનું સંચાલન અને વ્યવસ્થા શ્યામવલ્લભદાસ સ્વામી દ્વારા સંભાળવામાં આવી હતી.
આ ભવ્ય શાકોત્સવ માટે વિશાળ માત્રામાં સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 2500 કિલો ગુલાબી રીંગણ, 2000 કિલો બાજરીના રોટલા, 1000 કિલો ચુરમાના લાડુ, 150 કિલો ડ્રાયફ્રુટ, 2500 કિલો વઘારેલી ખીચડી, 500 કિલો ઘઉંની રોટલી, 300 કિલો આથેલા મરચાં, 5000 લીટર તાજી છાસ, 500 કિલો ગોળ, 500 કિલો ખાંડ, 600 કિલો ઘી, 1500 કિલો તેલ, 400 કિલો પાપડી, 1500 કિલો વિવિધ પ્રકારના મસાલા અને 3000 કિલો વિવિધ પ્રકારના શાકભાજીનો સમાવેશ થાય છે.

આટલા મોટા પાયે પ્રસાદ તૈયાર કરવા માટે સ્વયંસેવકોનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. ખાસ કરીને બાજરીના રોટલા બનાવવા માટે વડોદરા, સુરત, ચરોતર અને ભાલ સહિતના આસપાસના 100 ઉપરાંત ગામડાઓમાંથી 1000થી વધુ મહિલા અને પુરુષ હરિભક્તો સેવા કાર્યમાં જોડાયા હતા. આ ભવ્ય આયોજન દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાની ભાવના અને એકતાના દર્શન થયા હતા.
