Loading...

વડતાલધામમાં 200મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવનો ભવ્ય આરંભ, વસંતપંચમી સમૈયાથી ઉત્સાહ છવાયો

અત્યાર સુધીમાં વિશ્વના સંતો અને વિદ્વાનો દ્વારા તેનો 29 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે, જે તેના વૈશ્વિક સ્વીકાર અને મહત્વને ઉજાગર કરે છે. 

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 23 Jan 2026 11:34 AM (IST)Updated: Fri 23 Jan 2026 11:34 AM (IST)
200th-shikshapatri-jayanti-mahotsav-in-vadtaldham-on-vasant-panchami-samaiya-678413
HIGHLIGHTS
  • વડતાલધામમાં 200મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવનો ભવ્ય આરંભ
  • શ્રીહરિએ 212 શ્લોકોની શિક્ષાપત્રી લખી નંદસંતોને ભેટ આપી હતી
  • શાસ્ત્રી નારાયણચરણદાસજીએ શિક્ષાપત્રીના મહાત્મ્ય પર પ્રકાશ પાડ્યો

200th Shikshapatri Jayanti Mahotsav: સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલમાં વસંત પંચમી સમૈયા સાથે 200મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવનો ભક્તિમય અને ભવ્ય પ્રારંભ થયો છે. સમગ્ર વડતાલધામ હરિભક્તોના જયઘોષ, કથા-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમોથી ગુંજી ઉઠ્યું છે.

200મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ

આ મહોત્સવ અંતર્ગત આયોજિત કથામાં શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામીએ (વ્રજભૂમિ–આણંદ) શિક્ષાપત્રીના મહાત્મ્ય પર વિશદ પ્રકાશ પાડ્યો હતો. શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ ભગવાન શ્રીહરિનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તે માનવજીવનને આલોક, સુખ અને શાંતિ આપે છે. જે કોઈ મનુષ્ય શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરાવવાની જવાબદારી સ્વયં ભગવાન શ્રીહરિએ લીધી છે.

ભગવાન શ્રીહરિએ લખી હતી 212 શ્લોકોની શિક્ષાપત્રી

ઇતિહાસ મુજબ સંવત 1882 ના મહાસુદ પાંચમના પવિત્ર દિવસે વડતાલના પટાંગણમાં ભગવાન શ્રીહરિએ સ્વહસ્તે 212 શ્લોકોની શિક્ષાપત્રી લખી નંદસંતોને ભેટ આપી હતી. આ શિક્ષાપત્રીમાં કુલ 350 શાસ્ત્રોનો સાર સમાવવામાં આવ્યો છે. મહોત્સવ દરમિયાન હરિવલ્લભ સ્વામી, ભક્તવત્સલ સ્વામી અને બ્રહ્મચારી પ્રભાનંદજીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી શિક્ષાપત્રીના સિદ્ધાંતો સમજાવ્યા હતા.

વિશ્વવ્યાપી બની શિક્ષાપત્રી, 29 ભાષાઓમાં અનુવાદ

શિક્ષાપત્રીનું મહાત્મ્ય વિશ્વવ્યાપી બન્યું છે, અને અત્યાર સુધીમાં વિશ્વના સંતો અને વિદ્વાનો દ્વારા તેનો 29 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે, જે તેના વૈશ્વિક સ્વીકાર અને મહત્વને ઉજાગર કરે છે. આ ગ્રંથ માનવીને સદ્આચરણ, સંયમ અને નૈતિક જીવન જીવવાની કળા શીખવે છે, તથા જીવનને સફળ બનાવવાનો માર્ગ દર્શાવે છે.

હરિમંડપમાં દિવ્ય દર્શનનો વિશેષ લાભ

ખાસ નોંધનીય છે કે, આજરોજ વસંતપંચમીના પવિત્ર દિવસે, જે હરિમંડપમાં ભગવાન શ્રીહરિએ શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું, ત્યાં મહિલા ભક્તો માટે સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દિવ્ય દર્શનનો વિશેષ લાભ રાખવામાં આવ્યો છે. 200મી શિક્ષાપત્રી જયંતિ મહોત્સવ વડતાલધામમાં ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસનું અનોખું વાતાવરણ સર્જી રહ્યો છે.