Loading...

Nadiad News: સોશિયલ મીડિયા પર યુદ્ધના બહાને અછતની અફવા ફેલાવનાર સામે પોલીસ ફરિયાદ

સોશિયલ મીડિયામાં ખોટી અફવા ફેલાવીને ભ્રામક માહિતી ફેલાવનારા ઈસમ વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

By: Jignesh ParmarEdited By: Jignesh Parmar Publish Date: Wed 25 Mar 2026 12:21 PM (IST)Updated: Wed 25 Mar 2026 12:21 PM (IST)
nadiad-news-police-complaint-against-those-spreading-rumors-of-shortage-on-social-media-under-the-pretext-of-war-714981
HIGHLIGHTS
  • ફેસબુક આઈડી પરથી એક ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં આવી
  • ભ્રામક પોસ્ટ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ
  • ફેસબુક પર પોસ્ટ મૂકી લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ

Nadiad: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી સોશિયલ મીડિયા પર જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાશે તેવી ભ્રામક માહિતી ફેલાવનાર એક શખ્સ સામે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ ફેસબુક પર પોસ્ટ મૂકી લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની વિગતો મુજબ, ગત 23 માર્ચથી 24 માર્ચ, 2026 દરમિયાન 'રાણા જીગ્નેશભાઈ પી.' નામના ફેસબુક આઈડી પરથી એક ઉશ્કેરણીજનક અને પાયાવિહોણી પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, યુદ્ધના કારણે દેશમાં અનાજ, ખાદ્ય તેલ અને પેટ્રોલિયમ પેદાશોની ભારે અછત સર્જાવાની છે.

આરોપીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે:

  • ગેસના બોટલ મળવા મુશ્કેલ બનશે અને પેટ્રોલ-ડીઝલનો પુરવઠો બંધ થઈ શકે છે.
  • પોતાના કથિત અનુભવ તરીકે તેણે જણાવ્યું કે, નડિયાદમાં ચાર પેટ્રોલ પંપ પર ફર્યા બાદ માંડ એક પંપ પરથી એક કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પેટ્રોલ મળ્યું હતું.
  • વધુમાં તેણે લોકોને સલાહ આપી હતી કે, ઇન્ટરનેટ બંધ થવાની અને બેંક સર્વર ડાઉન થવાની શક્યતા હોવાથી લોકોએ ઘરમાં રોકડ રકમનો સંગ્રહ કરવો જોઈએ.

પોલીસની કાર્યવાહી

નડિયાદ સલુણ બજાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રાવજીભાઈ ઈશ્વરભાઈ સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા હતા ત્યારે આ ભ્રામક પોસ્ટ તેમના ધ્યાને આવી હતી. તપાસમાં જણાયું હતું કે, આ માહિતી સંપૂર્ણપણે ખોટી છે અને તેનો હેતુ માત્ર જનતામાં અંધાધૂંધી અને ભયનો માહોલ ઊભો કરવાનો હતો.

નડિયાદ પોલીસની લોકોને સૂચના

નડિયાદ પોલીસ તરફથી લોકોને અપીલ કરાઈ હતી કે, "સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે. લોકોએ આવી કોઈ પણ અસત્ય માહિતી પર વિશ્વાસ ન કરવો અને તેને શેર ન કરવી."

પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વહીવટી તંત્ર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યમાં કોઈ પણ ચીજવસ્તુની અછત નથી, તેથી નાગરિકોએ સંગ્રહખોરીથી દૂર રહેવું.