ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાનાં પીજ ગામમાં પાછલા 5 દિવસથી લોકો પીવાનાં પાણી માટે વલખા મારી રહ્યા છે. ગામમાં પાણીની તકલીફને લીધે લોકો પરેશાન થઈ ગયા છે. તેવામાં પંચાયતે મોકલેલા પાણીના ટેન્કરમાં મરેલો ઉંદર નીકળતા લોકો ચોંકી ઉઠ્યા હતા. ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ મરેલા ઉંદરની અંતિમ યાત્રા કાઢીને પંચાયત કચેરી ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.તેમજ પાણીની સમસ્યા અંગે સવાલો ઉઠાવ્યા હતા,
લોકો પાણી માટે મજબૂર
મળતી માહિતી મુજબ, પીજ ગામમાં પાછલા 5 દિવસથી લોકો પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. જેના લીધે મહિલાઓને ઘરકામમાં કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જોકે, પીજ ગામમાં 12 પંચાયતી બોર અને 4 પાણીની ટાંકીઓ હોવા છતાં ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણીની સમસ્યાને નિવારવા માટે ગામના લોકોએ પંચાયત પાસે ટેન્કરી માગણી કરી હતી. પણ ટેન્કરમાં મરલો ઉંદર નીકળતા લોકોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હતો.
ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળ્યો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પંચાયતે જે ટેન્કર મોકલ્યું હતું. તેમાંથી ઘણા પરિવારોએ પાણી ભરી લીધું અને તેનો ઘર વપરાશમાં ઉપયોગ કર્યો હતો. તો કેટલાક લોકોએ પીવાના પાણી તરીકે વપરાશ કર્યો હતો. જ્યારે ટેન્કર ખાલી થયું ત્યારે અંદરથી મરેલો ઉંદર નીકળતા લોકો ચોંકી ગયા હતા. તેમજ બીમારી ફેલાય એવી ભીંતિ સર્જાઈ હતી.
લોકો બીમાર થાય તો જવાબદાર કોણ ?
ગામનાં મહિલા ગૌરીબેન પંચાલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, તેઓ છેલ્લા 4-5 દિવસથી પીવાના પાણીની સમસ્યા વેઠી રહ્યા છીએ. ટેન્કરમાંથી મરેલો ઉંદર મળ્યો તે પાણીનો ઉપયોગ કર્યો છે. હવે કોઈ ગ્રામજન બીમાર પડશે તો તેની જવાબદારી કોણ લેશે? ગામની અન્ય મહિલા પ્રેમીલાબેનના જણાવ્યા મુજબ, અમને સમયસર પાણી મળતું નથી, સમયસર વેરો ઉઘરાવવા માટે માણસો આવી જાય છે. પાણી તો મળતુ નથી.
ગામના સરપંચે શું કહ્યું ?
ટેન્કરમાંથી ઉંદર નીકળવાની ઘટના અંગે સરપંચે બચાવ કર્યો હતો કે, છેલ્લા 4 વર્ષથી ટેન્કરથી પાણી સપ્લાય કરવામાં આવે છે. આવી ઘટના ક્યારેય બની નથી. ઉંદર કયાંથી આવ્યો એ શંકાસ્પદ છે. કદાચ પંચાયતને હેરાનગતિ કરવાનું કોઈએ કૃત્ય કર્યું હોઈ શકે. તેમણ પોતે આ ઘટનાની તપાસ કરશે તેમ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું.
