Nadiad News Today Live (15 June 2026): નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં રોજ બરોજની બનતી ઘટનાઓ, રાજકીય હલચલ, ગુનાહિત ઘટનાઓ સહિતના આજના મહત્વના સમાચાર અહીં સંક્ષ્પિતમાં આપવામાં આવ્યા છે. જેથી આજની ભાગદોડમાં એકજ સ્થળે શહેર જિલ્લાના મહત્વના સમચાર વાંચી શકાય.
ખેડા જિલ્લામાં બે માર્ગ અકસ્માતમાં બેના મોત
ખેડા જિલ્લામાં શનિવારે સર્જાયેલા બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે. ગોબલજ પાસે ખોટી દિશામાં આવતા ડીઝલ ટેન્કરે 31 વર્ષીય મોટરસાયકલ સવારને અડફેટે લેતા તેનું મોત થયું હતું, જ્યારે માતરના રતનપુર પાટિયા પાસે હાઈવે ઓળંગતા એક શ્રમજીવીને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ બંને કિસ્સાઓમાં ખેડા ટાઉન અને માતર પોલીસે ગુના નોંધી ફરાર વાહન ચાલકોની શોધખોળ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદની મેડિકલ કોલેજમાં મેગા રક્તદાન શિબિર
નડિયાદમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત મેડિકલ કોલેજમાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પેથોલોજી વિભાગ અને એનએસએસ એકમ દ્વારા આયોજિત આ શિબિરમાં તબીબો, શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રક્તદાનની સાથે જનજાગૃતિ માટે પોસ્ટર મેકિંગ અને રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓ યોજીને યુવાનોને સામાજિક જવાબદારી પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
મહુધા MGVCL કચેરીમાં સ્ટાફ પર હુમલો, 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ
મહુધામાં આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) ની કચેરીમાં વીજ ફરિયાદના નિકાલ મુદ્દે ઉશ્કેરાયેલા 3 શખ્સોએ ફરજ પરના લાઈનમેન અને અન્ય કર્મચારીઓ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આરોપી મુનિરૂદ્દીન ઉર્ફે ગબ્બર કાજી અને તેના 2 સાથીદારોએ કચેરીમાં ઘૂસી કર્મચારીઓ સાથે ગાળાગાળી કરી હોવાની વિગતો સામે આવી છે. આ હિંસક ઘટના અંગે 55 વર્ષીય લાઈનમેન દિલીપસિંહ સોઢાની ફરિયાદના આધારે મહુધા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બિસ્કિટ ખવડાવી પશુઓની ચોરી કરતી ગેંગના બે સાગરીતો ઝડપાયા
કઠલાલ પોલીસે ખેડા અને આસપાસના જિલ્લાઓમાં છેલ્લા 3 મહિનાથી પશુઓની ચોરી કરી આતંક મચાવતી આંતરજિલ્લા ગેંગના બે સાગરીતોને 15 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ ઉવેશઅહેમદ શેખ અને મોહસીન શેખ રાત્રિના સમયે પશુઓને ક્રીમ બિસ્કિટ ખવડાવતા અને તે અવાજ ન કરે તે માટે પશુઓના મોઢા પર ફેવીક્વિક ચોંટાડી દઈ ગાડીમાં ભરી ફરાર થઈ જતા હતા. 70 થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ બાદ ઝડપાયેલી આ ટોળકીએ કઠલાલ, કપડવંજ, નડિયાદ અને મહેમદાવાદ સહિત કુલ 6 સ્થળોએથી પશુઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.
