Loading...

Kheda: કાળમુખા ટ્રકે બાઈકને ટક્કર મારતા અમદાવાદના શાહ પરિવારનો માળો વિખાયો, નીચે પટકાયેલા પિતા સહિત બે પુત્રોના મોત

વાસણાના પિતા-પુત્રો લીંબાસી સ્થિત પોતાની પેઢી પર જઈ રહ્યા હતા, ત્યારે માંતેલા સાંઢની માફક ધસી આવેલા ટ્રકે ટક્કર મારતા ત્રણેય જણા ફૂટબોલ માફક ફંગોળાઈને નીચે પટકાયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 29 Mar 2026 07:57 PM (IST)Updated: Sun 29 Mar 2026 07:57 PM (IST)
kheda-news-speeding-truck-claims-lives-of-father-and-two-sons-on-ahmedabad-highway-717855
HIGHLIGHTS
  • ખેડા-અમદાવાદ હાઈવે પર વડાલા પાટીયા નજીક આઈસરે ટ્રકને અડફેટે લીધુ
  • એક પુત્રનું ઘટના સ્થળે, જ્યારે પિતા અને બીજા પુત્રએ હોસ્પિટલ બિછાને દમ તોડ્યો

Kheda: ખેડા-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા વડાલા પાટીયા નજીક આજે સવારે પુરપાટ જતાં આઈસર ટ્રકે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદમાં રહેતા પિતા સહિત બે પુત્રોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા નવલભાઈ શાહ પોતાના બે પુત્રો જય અને જીનેશ સાથે બાઈક પર લીંબાસી સ્થિત પોતાની કાપડની દુકાન પર જઈ રહ્યા હતા. સવારે પોણા 11ની આસપાસ તેમનું બાઈક વડાલા પાટીયા નજીક પહોંચ્યુ, ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ પુરપાટ આવતા આઈસર ટ્રકે ટક્કર મારી હતી.

ટ્રકની જોરદાર ટક્કરથી પિતા અને બન્ને પુત્રો હવામાં ફૂટબૉલ માફક ફંગોળાઈને નીચે રોડ પર પટકાયા હતા. જેમાં ગંભીર ઈજા થતાં જયનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. જ્યારે નવલશાહ અને જીનેશ પણ ઈજાના પગલે બેભાન થઈ ગયા હતા.

આ અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખેડા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ પિતા-પુત્રની હાલત નાજુક જણાતા તેમને અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા હતા. જો કે ટૂંકી સારવારના અંતે તેમણે હોસ્પિટલના બિછાને દમ તોડ્યો હતો.

આ અકસ્માતની જાણ થતાં મૃતકના પરિવારજનો પણ તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. ત્રણેયના અકાળે અવસાનથી શાહ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ તો ખેડા ટાઉન પોલીસે આઈસર ટ્રકના ચાલક હસીબુર રહેમાન કુરૈશી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.