Loading...

Kheda: ડાકોરમાં રસ્તા પર મૂર્તિ વેચતા ફેરિયાને ઇન્કમટેક્સની નોટિસ, બાકી રકમ અધધ રૂ. 19.84 કરોડ!

પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ નોટિસ આપવામાં આવી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 04 Apr 2026 09:26 AM (IST)Updated: Sat 04 Apr 2026 09:26 AM (IST)
dakor-street-vendor-gets-petlad-income-tax-notice-of-rs-19-crore-721301
HIGHLIGHTS
  • નાની મૂર્તિ વેચતા ફેરિયાને નોટિસ મળી
  • ઇન્કમટેક્સ દ્વારા ₹19.84 કરોડની નોટિસ
  • શ્રમિક ગંભીર માનસિક તણાવમાં આવ્યા

Kheda news: યાત્રાધામ ડાકોરમાંથી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોમતી ઘાટ પર પ્લાસ્ટિકની નાની મૂર્તિઓ વેચીને માંડ ગુજરાન ચલાવતા એક સામાન્ય શ્રમિક પરિવાર પર ઇન્કમ ટેક્સ વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારીને આભ તોડી પાડ્યું છે.

કવરની ટિકિટો શ્રમિકની માસિક કમાણી જેવડી!

ડાકોરના ડુંગળા ભાગોળ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા ચિરાગ જગદીશ ભૈયા ગોમતી ઘાટ પર છૂટક મૂર્તિઓ વેચે છે. પેટલાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તેમને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા બે વર્ષના મળીને કુલ 19,84,00,000 (ઓગણીસ કરોડ ચોર્યાસી લાખ) રૂપિયાની લેણી રકમની નોટિસ આપવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આશ્ચર્યની વાત તો એ છે કે જે કવરમાં નોટિસ મોકલવામાં આવી હતી, તેના પર જ 5,500 રૂપિયાની ટિકિટો લગાડવામાં આવી હતી, જે કદાચ આ ગરીબ શ્રમિકની આખા મહિનાની મહેનતની કમાણી કરતા પણ વધારે હોઈ શકે છે.

કરોડોના આંકડા સાંભળી શ્રમિક ફસડાઈ પડ્યો

ચિરાગભાઈ પોતે અભણ હોવાથી શરૂઆતમાં તેઓ આ નોટિસનો મર્મ સમજી શક્યા નહોતા. પરંતુ જ્યારે જાણકાર લોકોએ નોટિસ વાંચીને કરોડોના આંકડા સંભળાવ્યા ત્યારે તેમના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. નોટિસની વિગત મુજબ:

  • નાણાકીય વર્ષ 2021-22 માટે: ₹11.86 કરોડ
  • નાણાકીય વર્ષ 2022-23 માટે: ₹7.98 કરોડ

આમ, કુલ મળીને અંદાજે ₹20 કરોડ જેવી માતબર રકમની ઉઘરાણી કાઢવામાં આવી છે. દિવસના માંડ ₹200-500 કમાતા ફેરીયા પાસે આટલા મોટા વ્યવહારો કેવી રીતે આવ્યા તે એક યક્ષ પ્રશ્ન છે.

બેદરકારી કે ડેટામાં છેતરપિંડી?

આ ઘટનાએ ઇન્કમટેક્સ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. શું કોઈએ ચિરાગભાઈના દસ્તાવેજનો દુરુપયોગ કરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કર્યા છે, અથવા વિભાગે કોઈપણ પ્રાથમિક તપાસ વગર સીધી નોટિસ ફટકારી દીધી છે?

જે વ્યક્તિ પાસે પોતાની માલિકીનું મકાન પણ નથી અને ભાડે રહીને પેટ ભરે છે, તેને આટલી મોટી રકમની નોટિસ આપવી એ તંત્રનો 'અંધેર વહીવટ' હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. હાલમાં ચિરાગભાઈ ગંભીર માનસિક તણાવમાં છે, અને ન્યાય માટે આજીજી કરી રહ્યા છે.