Kheda News: ખેડાના સેવાલિયા નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે પર ઇંધણ ટેન્કર પલટી ગયાની ઘટના સામે આવી હતી. દુર્ઘટનામાં હજારો લિટર ડીઝલ અને પેટ્રોલ ઢોળાઈ ગયું હતું. જેથી આશરે 10 લાખનું નુકસાન થયાનું સામે આવ્યું છે. જેને લઈને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું.
ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબ ગુમાવ્યો
મળતી માહિતી મુજબ 25 માર્ચની રાત્રે ઘટના બની હતી. ભારત પેટ્રોલિયમ કોયલી ઇન્સ્ટોલેશનથી વડોદરાના લક્ષ્મણ રાયસિંગ ભરવાડનું ટેન્કર ઇંધણ ભરીને વિરપુર ખાતે જઈ રહ્યું હતું. ત્યાં જ શાંતિઇન હોટલ સામે ડ્રાઈવરે કાબૂ ગુમાવી દેતા ટેન્કર પાણીના નિકાલના કાસમાં પલ્ટી મારી જતાં દુર્ઘટના સર્જાઈ હતી.
10 લાખથી વધુ ઇંધણ ઢોળાયું
દુર્ઘટનામાં 5835 લિટર ડીઝલ, 2789 લિટર સામાન્ય પેટ્રોલ, 2581 લિટર સ્પીડ પેટ્રોલ સહિત કુલ 11,205 લિટર ઇંધણ ઢોળાઈ ગયું હતું. અંદાજે રુ 10,18,432 કિંમતનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.
ટેન્કરમાંથી ઇંધણ લીક થવા લાગ્યું
દુર્ઘટના પછી ટેન્કરમાંથી પેટ્રોલ અને ડીઝલ નીકળવા લાગ્યું હતું. ઘટના સર્જાતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ટ્રાન્સપોર્ટ માલિક અને તેમના પિતાને ઘટનાની જાણ થતાં તેઓ પહોંચ્યા હતા. પલટી ગયેલા ટેન્કરને ક્રેઈનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ટેન્કરમાં કુલ 5 કમ્પાર્ટમેન્ટમાં સામાન્ય પેટ્રોલ, સ્પીડ પેટ્રોલ અને ડીઝલ ભરેલું હતું. જે મળીને કુલ 24,000 લિટર ઇંધણ ભરેલું હોવાનું સામે આવ્યું હતું.
ચાલક સામે પોલીસ ફરિયાદ
સમગ્ર મામલે ટેન્કર ચાલક દશરથસિંહ ગુલાબસિંહ રાઠોડ સામે સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે, ડ્રાઈવર પૂરપાટ ઝડપે અને બેજવાબદારી પૂર્વક વાહન ચલાવતો હોય તેમજ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવેલ હતો. જોકે, ઘટનામાં ચાલકને કોઈ ગંભીર ઈજા નહોતી થઈ.
