Kheda: ખેડા જિલ્લાના કઠલાલમાં છીપડી બસ સ્ટેશન સામે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડની વચ્ચોવચ ઉભા રહેલા ડમ્પર પાછળ પુરપાટ આવતી કાર ધડાકાભેર ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર દંપતી ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે. જ્યારે અકસ્માત બાદ ડમ્પર લઈને ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
રાજસ્થાનના વેપારી પત્ની સાથે અમદાવાદ સારવાર માટે આવતા હતા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, રાજસ્થાનના રાજસમંદમાં રહેતા અને કટલરીના વેપારી વિનોદકુમાર શુક્લા (62)ને કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડની તકલીફ હોવાથી તેઓ પત્ની રમિલાબેન (57) સાથે સ્વિફ્ટ કારમાં અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે નીકળ્યા હતા.
સવારે સાડા 9 વાગ્યાની આસપાસ વિનોદકુમારની કાર અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલ કઠલાલ તાલુકાના છીપડી ગામ નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે હાઈવે પર રોડની વચ્ચોવચ્ચ પાર્કિંગ લાઈટ કે આડશ રાખ્યા વિના ઉભા રહેલા ડમ્પર પાછળ તેમની કાર ધડાકાભેર ભટકાઈ હતી. જેના કારણે કાર અડધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી અને તેના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ડમ્પર સાથે કાર ભટકાવાનો અવાજ આવતા આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ 108ની મદદથી કારમાં સવાર દંપતીને સારવાર અર્થે કઠલાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યાં હતા.
હોસ્પિટલના તબીબે મૃતક મહિલાના મોબાઈલમાંથી રાજસ્થાનમાં રહેતા તેમના પુત્રને અકસ્માત અંગેની જાણ કરતાં તેઓ પરિવાર સાથે કઠલાલની હોસ્પિટલ આવી પહોંચ્યા હતા. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક ઘટના સ્થળેથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
હાલ તો આ મામલે મૃતક દંપતીના પુત્રની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ડમ્પરના ચાલકની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યો છે.
