Kheda Rain: ગળતેશ્વર તાલુકામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, મહી કેનાલના બ્રિજમાં મોટું ગાબડું પડતા ગ્રામજનો મુશ્કેલીમાં

આ બ્રિજમાં બે દિવસ અગાઉ જ સામાન્ય તિરાડ જોવા મળી હતી. ગ્રામજનોએ તંત્રને અગાઉથી જાણ કરી હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 20 Jun 2026 03:59 PM (IST)Updated: Sat, 20 Jun 2026 03:59 PM (IST)
kheda-rain-mahi-canal-bridge-collapse-in-galteshwar-villagers-stranded

Kheda Rain: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના વરસાદે જોર પકડ્યુ છે. જેમાં ખેડા જિલ્લાનો ગળતેશ્વર તાલુકો હાલ સૌથી વધુ પ્રભાવિત થયો છે.

ગતરોજ વહેલી સવારે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં 65 mm (અંદાજે 3 ઈંચ) જેટલો ભારે વરસાદ ખાબકતા ગળતેશ્વર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મુશળધાર વરસાદને કારણે સેવાલીયા અને માલવણ થર્મલ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

વરસાદની તારાજી વચ્ચે સૌથી ગંભીર ઘટના રસુલપુરા મહી કેનાલના બ્રિજ પર બની હતી, જ્યાં પાણીના ભારે પ્રવાહને કારણે રસ્તામાં મોટું ગાબડું પડી ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ બ્રિજમાં બે દિવસ અગાઉ જ સામાન્ય તિરાડ જોવા મળી હતી. ગ્રામજનોએ તંત્રને અગાઉથી જાણ કરી હોવા છતાં, કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા ન હતા. જેના પરિણામે ગઈકાલના ભારે વરસાદમાં આ નાનું ગાબડું વિશાળ ભુવામાં ફેરવાઈ ગયું હતું અને મોટા પાયે માટીનું ધોવાણ થયું હતું.

આ બ્રિજ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો માટે અવરજવરનો મુખ્ય માર્ગ છે. ખેતરો તરફ જવા માટે આ એકમાત્ર રસ્તો હોવાથી, હાલ લોકો જીવના જોખમે આ તૂટેલા બ્રિજ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. તાજેતરમાં જ કેનાલના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમ છતાં બ્રિજની મજબૂતીકરણની કામગીરીમાં બેદરકારી રાખવામાં આવતા સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો હવે તંત્રની કામગીરી અને ભ્રષ્ટાચાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

આ સમગ્ર મામલે મહી સિંચાઈ વિભાગના અધિકારી સૌમિલભાઈ પટેલે જણાવ્યું હતું કે, "અતિવૃષ્ટિને કારણે પાણીનો પ્રવાહ વધુ હોવાથી બ્રિજના એપ્રોચ રોડ અને સાઇડની દીવાલમાં ભંગાણ પડ્યું છે અને માટી ધોવાઈ ગઈ છે." વધુમાં તેમણે બચાવ કરતા કહ્યું હતું કે, આ માર્ગ ભારે વાહનો માટે નથી. જોકે, અધિકારીની આ સ્પષ્ટતા વચ્ચે સ્થાનિકો અને ખેડૂતો માટે તો રોજિંદી અવરજવરનું જોખમ યથાવત છે. તંત્ર દ્વારા વહેલી તકે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, જેથી મોટી દુર્ઘટના ટાળી શકાય.