Kheda: ખેડામાં શિક્ષણ જગતને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. ખેડાના માતરમાં આવેલી સિંજીવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ 5ની બાળાઓ સાથે કામચલાઉ ધોરણે ફરજ બજાવતા શિક્ષકે છેડતી કર્યાની ઘટના સામે આવી છે. જે મામલે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. ઘટના અંગે વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં પોલીસ મથકે આરોપી શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે.
બાળકીઓના વાલીઓ શાળાએ પહોંચ્યા
પ્રાપ્ત માહિતી મુજબ, માતર તાલુકાના સિંજીવાડામાં આવેલ પીએમશ્રી પ્રાથમિક શાળામાં ધોરણ 5માં ભણતી 3 થી 4 જેટલી બાળાઓ સાથે આરોપી શિક્ષક અરુણ પટેલે અભદ્ર વર્તન કર્યું હતું. આ બાબત અંગે જાણ થતા બાળકીઓના વાલીઓ તાત્કાલિક શાળા ખાતે પહોંચ્યા હતા. આવી ગંભીર ઘટનાને લીધે ગામમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગ્રામજનોએ શિક્ષકની આ હરકતનો સખત વિરોધ કર્યો હતો.
શિક્ષકે દીકરીઓની છેડતી કરી
ભોગ બનનાર એક વિદ્યાર્થિનીના ભાઈએ શિક્ષક પર આક્ષેપ કર્યો કે, શિક્ષકે 3થી 4 જેટલી બાળકીઓની છેડતી કરી. જેમાં એક બાળા ભાગી છૂટવામાં સફળ રહી હતી. પરંતુ તે બાળા હાથમાં આવતા શિક્ષકે બચકા ભરીને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર બાબતને પગલે બાળકીઓના વાલીઓ અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશને પહોંચીને ન્યાયની માંગણી કરી હતી.
ગામ લોકોની કાર્યવાહી કરવા માંગ
આ ઘટનાને લઈને સિંજીવાડાના સરપંચ મનોજ રાઠોડે રોષ વ્યક્ત કર્યો હતો, તેમણે જણાવ્યું કે, પીએમશ્રી પ્રાથમિક શાળામાં કામચલાઉ ધોરણે લેવાયેલ શિક્ષકે આવુ કૃત્ય આચરેલ છે. ત્યારે શિક્ષક સામે કાયદેસરનો ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગામલોકોની માંગ છે.ભવિષ્યમાં આવી બીજી ઘટના ન બને જેથી બાળકો સુરક્ષિત રહે.
ઘટના અંગે શાળાના મુખ્ય શિક્ષક લાલા પરમારે સ્પષ્ટતા કરી હતી કે, આ ઘટના બની તેની ગઈકાલે માહિતી મળી હતી. ઘટનાની જાણકારી મેળવીને તાત્કાલિક વાલીઓનો સંપર્ક કર્યો હતો અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જણાયુ કે, ધોરણ 5ની વિદ્યાર્થિનીઓની છેડતી થઈ હતી.
પોલીસે આરોપીની અટકાયત કરી
પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળા એકઠા થઈ જતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આરોપી શિક્ષક અરુણ પટેલની અટકાયત કરી છે. હાલમાં પોલીસે ભોગ બનનાર પરિવારોના નિવેદન લેવાની સાથે આગળની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના અંગે લીંબાસી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સોનલબેન ચાવડાના જણાવ્યા મુજબ, આ ઘટનાને લઈને ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આરોપીની અટકાયત કરવામાં આવી છે.
