Loading...

ગુજરાતમાં કુદરતનો મિજાજ બદલાયો: વડોદરા, ચરોતર અને મહિસાગરમાં ભરઉનાળે અષાઢી માહોલ, ખેડૂતો ચિંતાતુર

સમગ્ર ચરોતર પંથકમાં હાલ આ કુદરતી ફેરફાર ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sat 04 Apr 2026 09:00 AM (IST)Updated: Sat 04 Apr 2026 09:00 AM (IST)
gujarat-unseasonal-rains-vadodara-charotar-mahisagar-crop-damage-721274
HIGHLIGHTS
  • ચરોતર પંથકમાં કમોસમી વરસાદ
  • વડોદરા અને મહીસાગરમાં વરસાદ
  • ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ

Gujarat unseasonal rain: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને આકરા ઉનાળાની શરૂઆત થઈ હતી. ત્યારે આણંદ, ખેડા, વડોદરા અને મહિસાગર જિલ્લાના વાતાવરણમાં અણધાર્યો પલટો જોવા મળ્યો છે. સમગ્ર પંથકમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

નડિયાદમાં સાંજ પડતા વરસાદી ઝાપટા

ગતરોજ સવારથી નડિયાદ અને આસપાસના વિસ્તારમાં અસહ્ય ઉકળાટ અને બફારો હતો, પરંતુ સાંજ પડતાની સાથે જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. સાંજે 5:30 વાગ્યાના અરસામાં નડિયાદ શહેરમાં હળવા વરસાદી છાંટા પડ્યા હતા, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને માર્ગો ભીના થયા હતા.

માતર પંથકમાં વીજળીના કડાકા-વરસાદ

બીજી તરફ, ખેડા જિલ્લાના માતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરતનો મિજાજ વધુ આક્રમક જોવા મળ્યો હતો. માતરના ભલાડા, સાયલા અને શેખુપુર સહિતના ગામોમાં વીજળીના તેજ લિસોટા અને ગડગડાટ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ભરઉનાળે સર્જાયેલા 'અષાઢી માહોલ'થી ગ્રામજનોમાં કુતૂહલ જોવા મળ્યું હતું.

ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ

આ અણધાર્યા કમોસમી વરસાદે ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે. ખેતીવાડી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર પાકને મોટું નુકસાન થવાની સંભાવના છે:

  • ઉનાળુ પાક: કમોસમી વરસાદને કારણે બાજરી, ડાંગર અને મગ જેવા ઉનાળુ પાકને ભારે નુકસાન થઈ શકે છે.
  • બાગાયતી પાક: પવન અને વરસાદના કારણે કેરી જેવા ફળાદી પાકને વ્યાપક નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે.
  • ઘાસચારો: ખુલ્લામાં પડેલો પશુઓનો ઘાસચારો પલળી જવાથી પશુપાલકોની ચિંતામાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો: Dwarka: દ્વારકા-ભાણવડમાં વહેલી સવારે કમોસમી ઝાપટા, વાતાવરણમાં ઠંડક-ખેડૂતોમાં ચિંતા પ્રસરી

રોગચાળા અને આરોગ્ય પર જોખમ

માત્ર ખેતી જ નહીં, પરંતુ હવામાનમાં આવેલા આ પલટાને કારણે લોકોના આરોગ્ય પર પણ જોખમ તોળાઈ રહ્યું છે. બપોરે આકરી ગરમી અને સાંજે વરસાદી ઠંડકના આ મિશ્ર વાતાવરણને લીધે શરદી, તાવ અને વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો થવાની શક્યતા સેવાઇ રહી છે.

સમગ્ર ચરોતર પંથકમાં હાલ આ કુદરતી ફેરફાર ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે, જ્યારે જગતનો તાત પોતાનો મહેનતથી ઉગાડેલો પાક બચાવવા માટે મેઘરાજા હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યો છે.