Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે પ્રી-મોન્સૂન એક્ટિવિટીએ વેગ પકડ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ ગઈકાલ સાંજથી રાજ્યના જુદા-જુદા ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે. આજે પણ રાજ્યના ઘણાં ખરા ભાગોમાં વરસાદી ઝાપટા નોંધાયા છે.
આજે ગુજરાતના 31 તાલુકામાં મેઘમહેર
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન રાજ્યના 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ 53 મિ.મી (2.09 ઈંચ) વરસાદ ખાબક્યો છે.
આ સિવાય બોટાદના બરવાળામાં 32 મિ.મી (1.26 ઈંચ), સાબરકાંઠાના વડાલીમાં 25 મિ.મી, જામનગરમાં 23 મિ.મી., પંચમહાલના જાંબુઘોડામાં 18 મિ.મી., હાલોલમાં 15 મિ.મી તેમજ ભાવનગરના તળાજામાં 13 મિ.મી વરસાદ વરસ્યો છે.
નડિયાદમાં 2 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ, બજારોમાં પાણી ભરાયા
આજે સવારથી વાદળછાયા વાતાવરણ અને અસહ્ય બફારાને અંતે 4 વાગ્યે નડિયાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે 4 થી સાંજના 6 કલાક દરમિયાન 2 ઈંચથી વધૂ એકધારો વરસાદ વરસતા નડિયાદની બજારોમાં તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાં રાહત મળી હતી, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
વરસાદી માહોલ છવાતા મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાયો નોંધાતા ગરમીમાં આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદના તોફાની ઝાપટા વરસી શકે છે.
