Loading...

Morbi Accident: દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને અજાણ્યા વાહને કચડ્યા, બનાસકાંઠાના 4 શ્રદ્ધાળુઓના કરુણ મોત

આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 17 Dec 2025 10:03 AM (IST)Updated: Wed 17 Dec 2025 10:03 AM (IST)
morbi-road-accident-claims-4-lives-of-banaskantha-devotees-656850

Morbi Road Accident: દેવભૂમિ દ્વારકાધીશના દર્શનાર્થે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે આજની સવાર અત્યંત અમંગળ સાબિત થઈ છે. માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં ચાર પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અજાણ્યા વાહનની જોરદાર ટક્કર

મળતી માહિતી મુજબ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે આ સંઘ માળિયા-પીપળીયા હાઈવે પર આવેલા ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ચાર શ્રદ્ધાળુઓએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકોમાં બે યુવાનો અને બે આધેડ વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

એક ઇજાગ્રસ્તની હાલત નાજુક

ઇજાગ્રસ્ત થયેલા અન્ય એક પદયાત્રીને તાત્કાલિક અસરથી મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અજાણ્યા વાહનના ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતકોની વિગતો

  • ચૌધરી દિલીપભાઈ રાયભાઈ: ઉંમર 28 વર્ષ, રહે. અધગામ (દિયોદર)
  • ચૌધરી હાર્દિકભાઈ માલાભાઈ: ઉંમર 28 વર્ષ, રહે. અધગામ (દિયોદર)
  • ચૌધરી ભગવાનભાઈ લાલભાઈ: ઉંમર 65 વર્ષ, રહે. નયા દિયોદર (બનાસકાંઠા)
  • ચૌધરી અમજાભાઈ લાલાભાઈ: ઉંમર 62 વર્ષ, રહે. નાના દિયોદર (બનાસકાંઠા)

આ સમાચારથી મૃતકના પરિવારોમાં અને બનાસકાંઠાના સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.