Morbi: વાંકાનેરની પેપર મિલમાં ભડકેલી આગ વિકરાળ બની, મોરબી અને હળવદથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ

કારખાનાની બહાર રહેલા પેપરમાં લાગેલી આગને કારખાનાના ફાયર સેફ્ટીના સાધનો વડે ઓલવવાનો પ્રયાસ નિષ્ફળ જતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 19 Jun 2026 06:19 PM (IST)Updated: Fri, 19 Jun 2026 06:19 PM (IST)
morbi-news-vankaner-paper-mill-caught-fire-fire-brigade-team-called-from-halvad

Morbi Factory Fire: મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલી પેપર મિલમાં અગમ્ય કારણોસર આગની ઘટના સામે આવી છે. હાલ તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં માટેલ રોડ પર આવેલ એડીકોન પેપર મિલમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારખાનાની બહાર ખુલ્લા મેદાનમાં રહેલા પેપર વેસ્ટના જથ્થામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

સૌ પ્રથમ તો કારખાનામાં રહેલ ફાયર સેફ્ટીના સાધનો વડે આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પવનના કારણે આગ વધુ ફેલાઈ રહી હતી. આખરે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

 

આ ઘટનાની જાણ થાં મોરબી મહાનગર પાલિકા ઉપરાંત વાંકાનેર અને હળવદ નગર પાલિકામાંથી ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. જ્યાં ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યું છે.

આ અંગે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વિકરાળ બનેલી આગ આસપાસના અન્ય કારખાનાઓ સુધી ના ફેલાય તે માટે તેને બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી મળ્યા.

જણાવી દઈએ કે, મોરબી પેપર મિલ ઉપરાંત સિરામિક ઈન્ડસ્ટ્રીઝનું સૌથી મોટું હબ ગણાય છે. અગાઉ પણ કારખાનામાં આગની ઘટનાઓ સામે આવી ચૂકી છે. એવામાં આવી વધુ એક ઘટનાએ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં સુરક્ષાના માપદંડ પર ગંભીર સવાલ ઉભા કર્યા છે.