Rajkot News: રાજકોટ શહેરનાં જામનગર રોડને જોડતાં સાંઢીયા પુલનું કામ પૂરૂ થઈ ગયું છે. જેથી વાહનચાલકોની સાથે સાથે હવે એસટી બસના મુસાફરોને પણ મોટી રાહત મળી છે. બ્રિજ શરુ થતાંની સાથે જ રાજકોટથી મોરબી અને જામનગર જતી 348 બસોના ટિકિટ ભાડામાં રુ. 3થી રુ. 16નો આંશિક ઘટાડો થયો છે. ઉપરાંત, 4 કિમીના વધુના ડાયવર્ઝનથી પણ વાહનચાલકોને મુક્તિ પ્રાપ્ત થઈ છે. સાંઢીયા પુલ શરુ થતાં હવે બસો ઝડપથી પહોંચવાના સ્થળે પહોંચશે.
અંદાજે 74.32 કરોડના ખર્ચે બ્રિજ બન્યો
7 માર્ચ 2024 ના રોજ અંદાજે 74.32 કરોડના ખર્ચે બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. આથી બ્રિજ પર વાહનવ્યવહાર મે 2024થી બંધ કરી દેવાયો હતો. તેના 2 વર્ષ બાદ એટલે કે, 13 જૂન 2026ના રોજ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. બ્રિજ બંધ હોવાથી એસ.ટી બસોને 4 કિમીનો વધારાનો ફેરો કરવો પડતો હતો. જેથી મુસાફરીના વધુના ભાડાનો બોજ યાત્રિકના ખિસ્સા પર પડતો હતો.
મોરબી અને જામનગરની બસોના ભાડામાં ઘટાડો
હવે બ્રિજ ફરી કાર્યરત થતાં એસ.ટી મુસાફરોની સાથે વાહનચાલકોને સીધો ફાયદો થયો છે. રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક એમ.પી.રાજના જણાવ્યા અનુસાર, સાંઢીયા બ્રિજ શરુ થવાથી રાજકોટથી મોરબી જતી એક્સપ્રેસ અને લોકલ બસોમાં રુ.3, લક્ઝરી અને સ્લીપર બસોમાં રુ.4, વોલ્વોમાં રુ.14, અને ગુર્જરનગરીમાં રુ.5નો ઘટાડો થયો છે.
ઉપરાંત, જામનગર રુટ પર ચાલતી બસો પૈકી, ગુર્જરનગરી રુ. 4, લોકલ રુ. 3, એક્સપ્રેસ રુ. 6, વોલ્વો બસમાં રુ. 16, જ્યારે સ્લીપર અને લક્ઝરીમાં રુ.5 નો ઘટાડો થયો છે.
રાજકોટથી જામનગર જતી બસનું ભાડું
| સર્વિસ | જૂનું ભાડું | નવું ભાડું | ઘટાડો |
| લોકલ | રૂ.72 | રૂ.69 | રૂ.3 |
| એક્સપ્રેસ | રૂ. 123 | રૂ.117 | રૂ.6 |
| ગુર્જરનગરી | રૂ.132 | રૂ.128 | રૂ.4 |
| લક્ઝરી/સ્લીપર | રૂ.165 | રૂ.160 | રૂ.5 |
| વોલ્વો | રૂ.267 | રૂ.251 | રૂ.16 |
| સર્વિસ | જૂનું ભાડું | નવું ભાડું | ઘટાડો |
| લોકલ | રૂ.59 | રૂ.56 | રૂ.3 |
| એક્સપ્રેસ | રૂ.105 | રૂ.102 | રૂ.3 |
| ગુર્જરનગરી | રૂ.119 | રૂ.114 | રૂ.5 |
| લક્ઝરી/સ્લીપર | રૂ.136 | રૂ.132 | રૂ.4 |
| વોલ્વો | રૂ.207 | રૂ.193 | રૂ.14 |
