Morbi: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવ (Iran Israel conflict) અને યુદ્ધની સીધી અસર હવે સ્થાનિક સ્તરે મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે.
ઇંધણના વધતા ભાવ અને અનિશ્ચિતતાને પગલે મોરબી સિરામિક એસોસિએશને આગામી એક મહિના સુધી તમામ કારખાનાઓ બંધ રાખવાનો ઐતિહાસિક અને સામૂહિક નિર્ણય લીધો છે.
આ કટોકટીભરી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે એક હાઈ-લેવલ બેઠક યોજાઈ હતી. જેમાં ચારેય ડિવિઝનના પ્રમુખો સહિત અંદાજે 500થી વધુ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં સર્વાનુમતે એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, પ્રોપેન અને નેચરલ ગેસની અછત તેમજ સતત વધતા ભાવ વચ્ચે ઉદ્યોગ ચાલુ રાખવો હવે આર્થિક રીતે પરવડે તેમ નથી રહ્યો. ગેસની ઉપલબ્ધતા અને ભાવમાં સ્થિરતા આવ્યા બાદ જ નવા ભાવપત્રક સાથે ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. હાલની સ્થિતિમાં પ્લાન્ટ ચાલુ રાખવા અશક્ય છે.
મોરબી અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ 650 જેટલા સિરામિક એકમો 24 કલાક ધમધમે છે. આ એકમો બંધ થવાથી માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ તેની સાથે જોડાયેલા હજારો શ્રમિકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પણ મોટી અસર પડશે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, આ એક પ્રકારનું 'ફોર્સ્ડ વેકેશન' (ફરજિયાત વેકેશન) છે, જે ઉદ્યોગને મોટા આર્થિક નુકસાનથી બચાવવા માટે લેવું પડ્યું છે.આગામી 30 દિવસ સુધી તમામ પ્રોડક્શન લાઈન બંધ રહેશે. યુદ્ધને કારણે પ્રોપેન અને નેચરલ ગેસના સપ્લાયમાં મોટો વિક્ષેપ. ઉદ્યોગ જ્યારે ફરી શરૂ થશે, ત્યારે નવા અને સુધારેલા ભાવ સાથે બજારમાં આવશે.
