Loading...

મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાંઃ ગેસના ભાવ વધતા વૉલ ટાઈલ્સની 162 ફેક્ટરીઓ વધુ 15 દિવસ બંધ રાખવાનો નિર્ણય

ગેસ કટોકટી વચ્ચે કિંમતો બમણાથી પણ વધી ગઈ છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો થતાં ટાઇલ્સનું ઉત્પાદન કરવું ઉદ્યોગકારો માટે આર્થિક રીતે પરવડે તેમ નથી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 01 Apr 2026 08:26 PM (IST)Updated: Wed 01 Apr 2026 08:26 PM (IST)
morbi-ceramic-industry-hit-hard-wall-tile-factories-shut-for-15-more-days-719783
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • વૉલ ટાઈલ્સ એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો

Morbi: વિશ્વભરમાં સિરામિક હબ તરીકે જાણીતા મોરબીના ઉદ્યોગ જગતમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગેસ કટોકટી અને આસમાને પહોંચેલા ગેસના ભાવોને કારણે વોલ ટાઇલ્સ એસોસિએશને ફેક્ટરીઓ બંધ રાખવાના સમયગાળામાં વધારો કર્યો છે.

વોલ ટાઇલ્સ સિરેમિક એસોસિએશનની મળેલી મહત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, અગાઉ જે ફેક્ટરીઓ 14 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો, તેને હવે વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. એટલે કે, મોરબીની વોલ ટાઇલ્સ ફેક્ટરીઓ હજુ આગામી 15 દિવસ સુધી ધમધમતી જોવા નહીં મળે.

આ આકરા નિર્ણય પાછળ ગેસની કિંમતો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ગેસ કટોકટી વચ્ચે ગેસની કિંમતો બમણીથી પણ વધી ગઈ છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. મોંઘા ગેસ સાથે ટાઇલ્સનું ઉત્પાદન કરવું ઉદ્યોગકારો માટે આર્થિક રીતે પરવડે તેમ નથી. વોલ ટાઇલ્સ એસોસિએશનની બેઠકમાં તમામ સભ્યોએ સર્વાનુમતે કામકાજ બંધ રાખવા પર મહોર મારી છે.

મોરબીમાં વોલ ટાઇલ્સની કુલ 162 જેટલી ફેક્ટરીઓ આવેલી છે. આ તમામ એકમો બંધ રહેવાને કારણે હજારો શ્રમિકોની રોજગારી અને કરોડો રૂપિયાના ટર્નઓવર પર માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે. જો આગામી દિવસોમાં ગેસના ભાવમાં ઘટાડો નહીં થાય, તો સિરેમિક ઉદ્યોગની હાલત વધુ કફોડી બની શકે છે.