Morbi Double Murder: મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં જમીન માપણી ના મામલે એક અત્યંત લોહીયાળ ઘટના સામે આવી છે. જેમાં જમીનના સીમાડા નક્કી કરવા બાબતે થયેલી સામાન્ય માથાકૂટ આખરે ડબલ મર્ડરમાં પરિણમતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં ઝાલા પરિવારના બે સભ્યો, જયપાલસિંહ ઝાલા અને હર્ષવર્ધનસિંહ ઝાલાની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ટંકારા વિસ્તારમાં આવેલી જમીનની માપણી કામગીરી ચાલી રહી હતી. આ સમયે જમીનના હક અને માપણીની બાબતે સામેવાળા પક્ષ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે, હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં કાકા જયપાલસિંહ અને ભત્રીજા હર્ષવર્ધનસિંહના ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
આ પણ વાંચો
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટંકારા પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં જમીનના સીમાડા અને માપણીની જૂની અદાવત હોવાનું જણાઈ રહ્યું છે. આ હત્યાકાંડને પગલે સમગ્ર ટંકારા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ત્વરિત ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે આ હત્યામાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જમીન જેવા નાના વિવાદમાં બે કિંમતી જીવ ગુમાવવાનો વારો આવતા સમાજમાં ચિંતાનું મોજું પણ જોવા મળ્યું છે.
