મોરબી-કચ્છ હાઇવે પર ગોઝારો અકસ્માત, ટ્રક સાથે અથડાઈ ઈકો ગાડી; દીવના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ અકસ્માતમાં ચાર મૃતકોના બે માસૂમ બાળકોના પણ મોત નીપજ્યા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 26 May 2026 07:46 AM (IST)Updated: Tue, 26 May 2026 07:46 AM (IST)
morbi-kutch-highway-accident-near-maliya-diu-family-four-member-dead
HIGHLIGHTS
  • મોરબી-કચ્છ હાઇવે પર ગોઝારો અકસ્માત
  • ડિવાઇડર કૂદી ટ્રક સાથે અથડાઈ ઈકો ગાડી

Morbi-Kutch Highway Accident: મોરબી-કચ્છ હાઈવે પર માળિયા (મી) તાલુકાના હરિપર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કચ્છના પ્રખ્યાત ધાર્મિક સ્થળ માતાના મઢે દર્શન કરીને પરત ફરી રહેલા દીવના એક જ પરિવારની ઈકો ગાડીનું ટાયર અચાનક ફાટતાં આ દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં બે માસૂમ બાળકો સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

દીવના પરિવારને નડ્યો અકસ્માત

આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ગીર સોમનાથના અને હાલ દીવ ખાતે રહેતો કાપડિયા પરિવાર પોતાની ઈકો ગાડી લઈને કચ્છમાં માતાના મઢે દર્શન કરવા માટે ગયો હતો. દર્શન કરીને આખો પરિવાર દીવ તરફ પરત ફરી રહ્યો હતો, ત્યારે માળિયા તાલુકાના હરિપર ગામના પાટિયા પાસેથી પસાર થતી વખતે ગાડીનું ટાયર અચાનક ફાટી ગયું હતું.

ડિવાઈડર કૂદી ટ્રક સાથે જોરદાર ટક્કર

ટાયર ફાટતાં કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, પરિણામે ગાડી અચાનક ડિવાઇડર કૂદીને સામેની લેનમાં ધસી ગઈ હતી. આ દરમિાયન સામેથી આવી રહેલી એક ટ્રક સાથે ઈકો કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ઘટનાસ્થળે જ 4 લોકોના મોત, 2 ગંભીર

આ દુર્ઘટનામાં ઈકો ગાડીમાં સવાર કુલ છ વ્યક્તિઓમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. મૃતકોમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે:

  • ભરતકુમાર વીરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 40) – કાર ચાલક
  • કંચનબેન વિરજીભાઈ બાંભણિયા (ઉં.વ. 60)
  • મનોજ લક્ષ્મણભાઈ કાપડિયા (ઉં.વ. 50)
  • જીવાંશુ મનોજ કાપડિયા (ઉં.વ. 7) 

આ ઉપરાંત, 35 વર્ષીય જાગૃતિબેન મનોજભાઈ કાપડિયા અને તેમની 12 વર્ષની દીકરી વૈદર્શીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક ક્લિયરન્સ

અકસ્માતને કારણે મોરબી-કચ્છ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ માળિયા તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો અને સ્થાનિકોની મદદથી ગાડીમાં ફસાયેલા મૃતદેહો તથા ઘાયલોને બહાર કાઢ્યા હતા. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માળિયાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા છે.

પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. વધુમાં, આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી દીવ અને ગીર સોમનાથ પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી છવાઈ ગઈ છે.