વડોદરા હાઈવે પર 'રવિવાર' લોહિયાળ બન્યો: બે ગંભીર અકસ્માતમાં બેના કરૂણ મોત, 6 ઘાયલ

વડોદરામાં રવિવારે બે અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં બે લોકોના કરુણ મોત થયા અને છ અન્ય ઘાયલ થયા. કપુરાઈ ચોકડી પર શાકભાજીના વેપારી અને શિનોરના બાવરિયા ગામ પાસે એક દર્શનાર્થીએ જીવ ગુમાવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 21 Jun 2026 03:40 PM (IST)Updated: Sun, 21 Jun 2026 03:40 PM (IST)
vadodara-highway-2-dead-6-injured-in-two-tragic-accidents

Vadodara News: વડોદરા અને આસપાસના વિસ્તારમાં આજે રવિવારનો દિવસ અકસ્માતોને લઈને ભારે દુઃખદ સાબિત થયો છે. વડોદરા શહેરના કપુરાઈ ચોકડી પાસે નેશનલ હાઈવે પર અકસ્માત અને શિનોર તાલુકાના બાવરિયા ગામ નજીક અન્ય એક અકસ્માતમાં કુલ બે લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક પરિવારના છ સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

VADODAA-ACCIDNET-NEWS-21-06

કપુરાઈ ચોકડી પાસે ટેમ્પોના બે ટુકડા, શાકભાજીના વેપારીનું મોત

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે (NH-48) પર કપુરાઈ ચોકડી પાસે આજે સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. તરસાલી વિસ્તારમાં રહેતા 50 વર્ષીય શાકભાજીના વેપારી અશોકભાઈ વાલિયા સયાજીપુરા APMC માર્કેટથી શાકભાજી લઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી નેક્સોન કારના ચાલકે તેમના ઈલેક્ટ્રિક ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભયાનક હતો કે, ટેમ્પોના બે ટુકડા થઈ ગયા હતા અને અશોકભાઈ ઉછળીને નીચે પટકાતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. કપુરાઈ પોલીસે કાર ચાલક જયરાજસિંહ મહાડીકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનોએ બેદરકાર કાર ચાલક સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

VADODAA-ACCIDNET-NEWS-21-06-1

પોઈચા દર્શનાર્થે જતી સુરતની કારનું અકસ્માત

બીજી તરફ, શિનોર તાલુકાના બાવરિયા ગામ પાસે પણ એક દર્દનાક અકસ્માત નોંધાયો હતો. સુરતથી નાનજીભાઈ ગલાણીનો પરિવાર કારમાં પોઈચા નીલકંઠ ધામ દર્શનાર્થે જઈ રહ્યો હતો. શિનોર-બાવરિયા વચ્ચે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલા બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

VADODAA-ACCIDNET-NEWS-21-06-2

દુર્ઘટનામાં એકનું મોત, 6 ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં નાનજીભાઈ ગલાણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર પરેશભાઈ, માયાબેન, 6 વર્ષીય હરિકૃષ્ણ, દક્ષાબેન, નેવીલ અને 8 વર્ષીય દેવિકા સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક મોટા ફોફળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

VADODAA-ACCIDNET-NEWS-21-06-3

એક જ દિવસે સર્જાયેલા આ બે અકસ્માતોએ બે પરિવારોના માળા વિખેરી નાખ્યા છે. હાઈવે પર વધતી જતી અકસ્માતોની સંખ્યા અને વાહન ચાલકોની બેદરકારી ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પોલીસે બંને કેસોમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.