Morbi-Halvad Highway Accident: મોરબી-હળવદ હાઈવે પર ચરાડવા ગામની સીમમાં ગત રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં રણછોડગઢ ગામના 5 યુવાનોએ જીવ ગુમાવ્યો છે. એક ફેક્ટરીમાંથી બહાર નીકળી રહેલા ડમ્પર સાથે પૂરપાટ ઝડપે આવતી કાર ધડાકાભેર અથડાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર 7 લોકોમાંથી 5 યુવાનોના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકોની હાલત અત્યંત નાજુક છે.
ઘાયલને બચાવવા જતા થયો અકસ્માત
આ અકસ્માતની પાછળ એક અત્યંત કરુણ કહાની છે. હળવદ તાલુકાના માનસર ગામ પાસે એક બાઈક સ્લીપ થવાથી રણછોડગઢ ગામના દિલીપ ડહૈયાનો 24 વર્ષીય પુત્ર પરેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી રણછોડગઢ ગામના કેટલાક યુવાનો પોતાની કારમાં તેને લઈને હોસ્પિટલ તરફ દોડી રહ્યા હતા.

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર થઈ
રાત્રે આશરે 9:30 વાગ્યાની આસપાસ ચરાડવા ગામ પાસે પેટ્રોલ પંપની સામે કારખાનામાંથી નીકળેલા ડમ્પરે અચાનક વળાંક લેતા હોસ્પિટલ પહોંચવાની ઉતાવળમાં રહેલી કારના ચાલકે બ્રેક મારવા છતાં કાર સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ડમ્પર નીચે ફસાઈ ગઈ અને મુસાફરો લોખંડના પતરાની વચ્ચે દબાઈ ગયા હતા.
આ પણ વાંચો
પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા
ગોઝારો અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક JCB મશીનની મદદ બોલાવી હતી, અને કારના પતરા ચીરીને ફસાયેલા લોકોને માંડ-માંડ બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં 3 યુવાનોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 2 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

રણછોડગઢ ગામના મૃતકો-ઈજાગ્રસ્તો
આ ગોઝારા અકસ્માતમાં જીવ ગુમાવનાર પાંચેય યુવાનો રણછોડગઢ ગામના હતા. મૃતકોમાં 45 વર્ષીય સુરેશ સિહોરા, 28 વર્ષીય વિરમ ડહૈયા, 24 વર્ષીય પરેશ ડહૈયા, પ્રેમજી ડહૈયા અને ભરત ડહૈયાનો સમાવેશ થાય છે. જ્યારે પ્રકાશ ડહૈયા અને દિલીપ ડહૈયા જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમને ગંભીર હાલતમાં મોરબી અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મોરબી-કચ્છ હાઇવે પર ગોઝારો અકસ્માત, ટ્રક સાથે અથડાઈ ઈકો ગાડી; દીવના 4 લોકોના ઘટનાસ્થળે જ મોત
પોલીસ કાર્યવાહી અને ગામમાં અરેરાટી
આ ગંભીર અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને અકસ્માત અંગેનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. એક ઇજાગ્રસ્તની જિંદગી બચાવવા નીકળેલા રણછોડગઢ ગામના 5 યુવાનો કાળનો કોળિયો બની જતાં સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
